અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરને હેરિટેજ સિટીનો દરજ્જો અપાવવા ધમપછાડા કરી રહ્યું છે. યુનેસ્કોની ટીમ ટૂંક જ સમયમાં અમદાવાદ આવી રહી છે ત્યારે  મ્યુનિસિપલ તંત્રએ હેરિટેજ ઈમારતોની આસપાસ સાફસફાઈ કરવાનું શરૂ કરી દીધું છે. તંત્ર સાફસફાઈ કરે (હંમેશા માટે) એ સારી વાત છે. પરંતુ વિદેશીઓને દેખાડવા ખોટા નાટકો કરે એ યોગ્ય નથી. એના કરતાં મ્યુનિ. તંત્રએ પીળા ચશ્મા પહેર્યા વિના શહેરમાં જેટલી પણ હેરિટેજ ઈમારતો અને બાંધકામો છે ત્યાં હંમેશા માટે જાળવણી અને સાચવણી થાય તેવા ગંભીર પગલાં લેવાં જોઈએ. અમદાવાદ શહેર ફરતે આવેલો કોટ પણ ઐતિહાસિક છે. આ કોટ એક સમયે શહેરની શાન ગણાતો હતો. જૂના અમદાવાદની હદ નક્કી કરતો આ કોટ ભાવિ પેઢી, દુનિયા દેખી શકે તે માટે સાચવવો જરૂરી છે. પરંતુ તંત્રની બેદરકારીને લીધે આ કોટની આગળ બાંધકામ થઈ ગયાં છે. શહેરના એકમાત્ર ખાનપુર વિસ્તારમાં આ કોટના અવશેષો બચ્યાં છે જ્યારે અમુક ભાગ વિકટોરિયા ગાર્ડન પાસે સચવાયેલો છે પરંતુ આ બન્ને  સ્થળોએ રેસ્ટોરન્ટ સહિતના બાંધકામો અને પાર્કિંગ ઊભા થઈ જતાં આ અમૂલ્ય વારસાનું અસ્તિત્વ ખતરામાં પડ્યું છે.