(એજન્સી) હૈદરાબાદ, તા.૧૮
૨૦૧૨માં નિર્ભયા બળાત્કાર કેસ બાદ પ્રેરિત થઈને, હૈદરાબાદના એક યુવાને “ઈલેક્ટ્રોશૂ”નો આવિષ્કાર કર્યો છે. – આ મહિલાઓ પર થઈ રહેલા બળાત્કાર અને અન્ય ગુનાઓને રોકવા માટેનું એક ઉત્પાદન છેે. પત્રકારો સાથે વાત કરતા, ૧૮ વર્ષીય હાઈસ્કૂલના વિદ્યાર્થી સિદ્ધાર્થ મંડલાએ “ઈલેક્ટ્રોશૂ” પાછળનો સિદ્ધાંત સમજાવ્યો અને કહ્યું કે તેનો આ આવિષ્કાર મહિલાઓની રક્ષા કરવામાં તેમની મદદ કરી શકશે. દિલ્હી બળાત્કારની ઘટના જ્યારે બની, ત્યારે તે ૧૨ વર્ષનો હતો. તેને યાદ છે તેની માતા નિર્ભયા માટેના આંદોલનમાં સામેલ થઈ હતી. ત્યારબાદ તેણે વિચાર્યું કે, કંઈક એવું ઉત્પાદન કરવામાં આવે, જેનાથી મહિલાઓની મદદ થઈ શકે. તેણે તેના આ વિચારને પોતાના મિત્ર અભિષેકની સમક્ષ રજૂ કર્યો, ત્યારબાદ તે બંનેવે શરૂઆત કરી, પરીક્ષણ કરતા સિદ્ધાર્થને વીજળીના ઝાટકા લાગ્યા અને તેનો મિત્ર અભિષેક પણ ઘાયલ થયો. પરંતુ તેમ છતાંય તે બંનેએ તેમના આ પરીક્ષણને સફળ બનાવ્યું. આ “ઈલેક્ટ્રોશૂ” ૦.૧ એ.એમ.પી. વીજળી પેદા કરી શકે છે, જે ગુનાના સમયે ગુનેગારોને ઝાટકો આપવામાં મદદ કરી શકે છે. જ્યારે પણ કોઈ એક મહિલા પર હુમલો કરવાની કોશિશ કરે છે, ત્યારે આ મહિલાને તે વ્યક્તિને માત્ર એક કીક જ મારવાની રહેશે. તે વ્યક્તિને વીજળીનો ઝાટકો લાગશે અને તરત જ નજીકના પોલીસ સ્ટેશનમાં તથા મહિલાના પરિજનોને ચેતવણીનો સંદેશ મોકલી શકાશે. સિદ્ધાર્થ જણાવે છે કે, “દરેક મહિલાએ એ સુનિશ્ચિત કરવાનું રહેશે કે બેટરી પૂરતા પ્રમાણમાં ચાર્જ થયેલી હોય. જ્યારે આ જોડા કોઈ હુમલાખોરના શરીર સાથે સંપર્ક કરે છે, ત્યારે હુમલાખોરને કરંટ લાગે છે.”