અમદાવાદ, તા.૨૨
રાજયના હજારો ખેડૂતો પાસે હાઇબ્રીડ કોટન સીડ્‌સની ખેતી કરાવી તેનું ઉત્પાદન કરાવ્યા બાદ તેના મહેનતાણાં પેટે ચૂકવવાની થતી રૂ.૧૦૩ કરોડથી પણ વધુ રકમ ચૂકવવામાંથી હાથ ઉંચા કરી દેનાર અને ગુજરાતના આશરે ૩૭ હજાર ખેડૂતોને રાતા પાણીએ રોવડાવનાર હૈદ્રાબાદની વિભા સીડ્‌સ પ્રા.લિ વિરૂધ્ધ ખેડૂતો તરફથી ગુજરાત હાઇકોર્ટમાં અગત્યની જાહેરહિતની રિટ દાખલ કરવામાં આવી છે. જેની સુનાવણીમાં હાઇકોર્ટે રાજય સરકાર આ સમગ્ર મામલામાં ખેડૂતોને કયા પ્રકારે મદદ કરી શકે તેમ છે તે સહિતના મુદ્દે સરકારના સંબંધિત વિભાગમાંથી સૂચના મેળવી અદાલતને જાણ કરવા સરકારપક્ષને મૌખિક નિર્દેશ કર્યો છે. હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી આગામી સપ્તાહમાં રાખી છે. ગુજરાત રાજયના વિવિધ જિલ્લાઓના ખેડૂતો તરફથી સાબરકાંઠા લોક અધિકાર મંચ, ઉત્તર ગુજરાત સીડ્‌સ પ્રોડયુસર્સ ફાર્મર યુનિયન તથા અન્ય ખેડૂતો દ્વારા કરાયેલી જાહેરહિતની રિટ અરજીમાં એડવોકેટ જે.વી.જપ્પીએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, હૈદ્રાબાદની વિભા સીડ્‌સ પ્રા.લિ દ્વારા સુપરીઅર કવોલિટીનું હાઇબ્રીડ કોટન સીડ્‌સ ઉત્પાદન કરી તેને ઓપન માર્કેટમાં વેચાણ કરવામાં આવે છે. આ માટે કંપનીએ ગુજરાતના જુદા જુદા જિલ્લાના ૩૭,૩૪૭ ખેડૂતો પાસે તેમની ખેતીની જમીનમાં કોટન સીડ્‌સના ઉત્પાદન માટેની ખેતી કરાવી હતી. હજારો ખેડૂતોએ તેમની ખેતીમાં છેલ્લા કેટલાક વર્ષોમાં કોટન સીડ્‌સની ખેતી કરી તેને ઉત્પાદિત કર્યા બાદ કંપનીએ તેને સુપીરીઅર કવોલિટીનું હાઇબ્રીડ સીડ્‌સ બનાવી ઓપન માર્કેટમાં વેચી માર્યું હતું. પરંતુ બીજીબાજુ, ખેડૂતોને તેમના મહેનતાણાની રકમ કંપની દ્વારા ચૂકવવામાં આવી ન હતી. કંપનીએ છેલ્લા પાંચ વર્ષોથી કોટન સીડ્‌સની ખેતીના મહેનતાણાંના પૈસા હજારો ખેડૂતોને ચૂકવ્યા નથી અને આ રકમ આશરે રૂ.૧૦૩ કરોડથી પણ વધુની થવા જાય છે. હજારો ખેડૂતો પૈકીના ૪૦ ટકા તો એસસી, એસટી અને ગરીબ વર્ગના છે. ખેડૂતોએ કંપનીના અધિકારીઓ અને સત્તાવાળાઓ સમક્ષ વારંવાર રજૂઆત કરવા છતાં તેમને પેમેન્ટના માત્ર વાયદા કરાય છે પરંતુ વાસ્તવિક ચૂકવણી કરવામાં આવતી નથી. આ સમગ્ર મામલે લાચાર ખેડૂતોએ પોતાના હક્કના અને મહેનતના પૈસા માટે ગુજરાત સરકાર સમક્ષ પણ રજૂઆત કરી હતી, તેમછતાં સરકાર તરફથી પણ કોઇ હકારાત્મક અભિગમ દાખવાયો નથી કે, ખેડૂતોને તેમના મહેનતાણાંના પૈસા અપાવવાનો કોઇ પ્રયાસ કર્યો નથી.