અમદાવાદ,તા.ર૩
અમદાવાદ શહેરમાં ટ્રાફિક, બિસ્માર રોડ-રસ્તાઓ અને રખડતા ઢોરની સમસ્યા મામલે એક સપ્તાહ બાદ ફરી હાથ ધરાયેલી સુનાવણી દરમિયાન હાઈકોર્ટે નો-પાર્કિંગ ઝોનને લઈ પોલીસની કામગીરીને બિરદાવી હતી તો આવી કામગીરી યથાવત રાખવા સૂચના કરી શહેરમાં રસ્તા પર પડતા ભૂવા નાગરિકો માટે જોખમી હોવાનું જણાવી ભૂવા પડતાં અટકાવવા મામલે ઝાટકણી કાઢી હતી.
શહેરમાં વિવિધ સમસ્યાઓ પર હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી. આ સુનાવણીમાં હાઇકોર્ટે રસ્તા પર પડતાં ભૂવાને લઇને કોર્પોરેશનની ઝાટકણી કાઢી હતી. આ અંગે કોર્ટે અનેક વેધક સવાલો પૂછ્યા હતા, જેમાં કોર્ટે કહ્યું કે, કોઈ સિસ્ટમ કેમ ઉભી ન કરી શકાય?, ટેકનોલોજીનો ઉપયોગ કેમ ન થાય?. આટલા મોટા ભૂવા પડે છે તો શું કરવું ? આ પ્રકારના ભૂવા લોકો માટે જોખમી બની શકે છે. કોર્ટના સવાલો પર છસ્ઝ્રએ લૂલો બચાવ કરતાં જણાવ્યું કે, જૂની પાઈપલાઈનના કારણે ભૂવા પડે છે.
એક સપ્તાહના સમય બાદ ફરી હાઇકોર્ટમાં શહેરના રસ્તા, પાર્કિંગ અને બિસ્માર રસ્તા પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણીમાં અમદાવાદના નવા મનપા કમિશનર પણ હાજર રહ્યાં હતા. શહેરમાં વધી રહેલા નો-પાર્કિંગનો મામલે હાઈકોર્ટે પોલીસની નો-પાર્કિંગ ઝોનની કરેલી કામગીરીને બિરદાવી હતી. હાઇકોર્ટે કહ્યું કે આ પ્રકારની કામગીરી યથાવત્‌ રહે તે જરૂરી, નાગરિકોએ પણ સેલ્ફ ડિસિપ્લિન જાળવવું તે એટલું જ જરૂરી બની રહે છે, ત્યારે જ ખરા અર્થમાં સ્માર્ટ સીટી બની શકશે. સાથે જ હાઇકોર્ટે મીડિયાની કામગીરીને પણ બિરદાવી હતી.
જો કે સુનાવણી દરમિયાન હાઇકોર્ટે ટ્રાફિકના મુદ્દે કોર્ટના આદેશનું પાલન ન થવા બદલ અમદાવાદ પોલીસ કમિશનરનો ઉધડો લીધો હતા. હાઇકોર્ટે કહ્યું કે વિસ્તાર પૂર્વકના ચૂકાદા અને ભલામણો છતા પરિણામ હજી દેખાયું નથી. હાઇકોર્ટે કહ્યું કે ટ્રાફિક સમસ્યા લાંબા ગાળાની સમસ્યા છે પણ તેમાં સુધારો જરૂરી છે. કોર્ટે આગળ કહ્યું કે, લોકો પાસે અપેક્ષા છે કે, નાગરિકો પણ સ્વયં શિસ્ત જાળવે. તેમણે પણ સમજવું જરૂરી છે કે, આ નાગરિકો માટે જ સારી બાબત છે, ત્યારે જ આ સિટી સ્માર્ટ સિટી બની શકશે. આ સિવાય કોર્ટે મીડિયાની કામગીરીને પણ બિરદાવતા કહ્યું કે, મીડિયા પાસેથી અપેક્ષા છે કે એ પણ આ જવાબદારી નિભાવતું રહે. આ પહેલા ૧૫ જુલાઈના રોજ હાઈકોર્ટે શહેરના ટ્રાફિકની સમસ્યાને લઇને પોલીસની કાર્યવાહી સામે અસંતોષ વ્યક્ત કરતા પોલીસ કમિશનરે કોર્ટમાં હાજર રહેવાનું ફરમાન કર્યું હતું. કોર્ટના આદેશ બાદ હાજર થયેલા પોલીસ કમિશ્નર એ.કે.સિંઘે હાઈકોર્ટને ખાતરી આપી હતી કે, જો તેઓ સંતોષકારક રીતે કામ ન કરી શકે તો તેમને પદ પર રહેવાનો અધિકાર નથી. ત્યાર બાદ કમિશ્નરે ખાતરી આપી હતી અને શહેરમાં પાર્કિંગ મામલે પગલાઓ લેવાની શરૂઆત કરી હતી.