(એજન્સી) તા.૩૦
હાઇપર ટેન્શન એટલે કે હાઇ બ્લડ પ્રેશર ૧૦ ભારતીયોમાંથી ૩ને પ્રભાવિત કરે છે. એટલું જ નહીં ૨૦૧૭માં જારી કરાયેલા આંકડા અનુસાર કુલ મૃત્યુમાંથી હાઇપર ટેન્શનના કારણે ૧૭.૫ ટકા મૃત્યુ થયા હતા અને ૯.૭ ટકા આજીવન વિકલાંગતા કે ખોડખાંપણના ભોગ બન્યા હતા. તમને જાણીને આશ્ચર્ય થશે કે અકાળે મૃત્યુ અને વિકલાંગતા માટે હાઇ બ્લડ પ્રેશર ચોથું મુખ્ય જોખમી પરિબળ છે અને ભારતમાં ૨૦૧૬માં હાઇ બ્લડ પ્રેશરને કારણે ૧૬ લાખ કરતા વધુ લોકોનાં મોત થયા હતા.
આ આંકડો મોરેશિયસની વસ્તીથી વધુ છે અને ભૂતાનની વસ્તીથી ૨ ગણો વધુ છે. આ આંકડા ગ્લોબલ બર્ડન ઓફ ડિસીસ દ્વારા વોશિંગ્ટન સ્થિત ઇન્સ્ટીટ્‌યૂટ ફોર હેલ્થ મેટ્રીક્સ એન્ડ ઇવેલ્યુશન દ્વારા લેવામાં આવ્યા છે. નવે.૨૦૧૭માં ઇન્ડિયા સ્પેન્ડ દ્વારા જણાવ્યા મુજબ કુપોષણ, વાયુ પ્રદૂષણ અને ફળ, શાકભાજી અને અનાજનો ભોજનમાં અભાવ ઉપરાંત મીઠુ અને ચરબીયુક્ત પદાર્થોના વધુ સેવન જેવા ટોચના ત્રણ જોખમી પરિબળો મૃત્યુ અને વિકલાંગતા માટે જવાબદાર છે.
નિષ્ણાતના જણાવ્યા મુજબ જો કે આ અંગે ચિંતા કરવાની જરુર નથી. જો હાઇપર ટેન્શનની ઓળખ સરળતાથી થઇ શકે તો હાઇપર ટેન્શનથી બચી શકાય છે. ખાસ કરીને દવા દ્વારા તેનો ઇલાજ પણ સરળ છે. આ ઉપરાંત લાઇફસ્ટાઇલ અને ડાયેટમાં થોડો ફેરફાર કરીને હાઇપર ટેન્શનને દૂર રાખી શકાય છે. પરંતુ બહુ ઓછા લોકો એ વાતથી અજાણ હોય છે કે તેમને હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા છે.
હાઇપર ટેન્શન એક એવી ક્રોનિક કંડિશન છે જેમાં રક્તવાહિનીઓમાં બ્લડ પ્રેશર વધી જાય છે. હાઇપર ટેન્શનને તેના લક્ષણોના કારણે સાયલન્ટ કીલર પણ કહેવામાં આવે છે. હાઇ બીપી શરીરના બ્રેઇન, હાર્ટ અને કિડની જેવા મુખ્ય અંગોને અસર કરે છે જેના કારણે અકાળે મૃત્યુ પણ થઇ શકે છે. ૨૦૧૩માં દુનિયાભરમાં હાઇ બ્લડ પ્રેશરના કારણે ૯૪ લાખ લોકોનાં મોત થયા હતા.
હાઇપર ટેન્શનથી બચવા માટે જીવનશૈલીમાં ફેરફાર કરવા માટે નિષ્ણાત ભાર્ગવ જણાવે છે. આ ઉપરાંત હાઇ બીપીથી બચવા માટે મીઠુ ઓછું લો, આલ્કોહોલ અને તમાકુનું સેવન ન કરો, વજન કંટ્રોલમાં રાખો, રોજ કસરત કરો, વધુમાં વધુ શાકભાજી અને ફળોનું સેવન કરો, જામ, કેચપ, સોલ્ટી સ્નેક્સ જેવો પ્રોસેસ્ડ ફૂડ ન ખાવ અને સાથે સાથે અથાણા પાપડ અને ચટણી પણ ન ખાવ.