અમદાવાદ, તા.૯
રાજ્ય સરકાર દ્વારા થોડા સમય અગાઉ લાવવામાં આવેલા દારૂબંધીના કડક કાયદાના કારણે રાજ્ય સરકાર હસ્તકના ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની બસ પોલીસ દ્વારા જપ્ત કરી લેવામાં આવી છે. આ બસને પોલીસ દ્વારા મુદ્દામાલ તરીકે જપ્ત કરી લેવામાં આવતા અને મોરબીની અદાલત દ્વારા તેને મુક્ત કરવાનો ઇન્કાર કરવામાં આવતા મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો છે અને તેની સુનાવણી સોમવારના રોજ હાથ ધરવામાં આવશે. કેસની વિગતો મુજબ ગત જાન્યુઆરી મહિનામાં મોરબી પોલીસે એસટી બસમાં લઇ જવામાં આવેલો દારૂનો જથ્થો પકડ્યો હતો અને દારૂની ૮૩ બોટલો મળી આવી હતી. આથી, પોલીસે દારૂ કબજે કરવા સાથોસાથ દારૂબંધી અન્વયે આવેલા નવા નિયમ મુજબ દસ લિટરથી વધુ દારૂ પકડાય તો વાહન પણ જપ્ત કરી લેવાના કાયદા મુજબ બસ પણ જપ્ત કરી લીધી હતી તેના કારણે એસટી નિગમ વગર વાંકે ફસાયું હતું અને તેમની બસ પોલીસ સ્ટેશનમાં મુદ્દામાલ તરીકે જપ્ત કરી લેવામાં આવી હતી. આ બસને ધૂળ ખાતી બચાવવા માટે એસટી નિગમ દ્વારા મોરબીની સ્થાનિક અદાલતમાં કેસ કરવામાં આવ્યો હતો અને બસ પરત લેવા માટે અરજ કરવામાં આવી હતી પરંતુ કોર્ટે અરજી નકારી દીધી હતી. ત્યારબાદ એસટી નિગમ દ્વારા મોરબીની જિલ્લા અદાલતમાં અપીલ કરવામાં આવી હતી તે પણ ફગાવી દેવામાં આવી હતી. આથી, અંતે ગત ફેબ્રુઆરી મહિનામાં એસટી નિગમ દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેમાં કોર્ટે પોલીસ વિભાગ અને રાજ્ય સરકારને નોટિસ કાઢી હતી. દરમિયાન કોર્ટ તરફથી કોઈ રાહત નહીં આપવામાં આવતા સોમવારે નિગમ દ્વારા એક અરજી કરીને જણાવવામાં આવશે કે, અગાઉ કોર્ટે આવા કિસ્સામાં પ્રાઇવેટ વાહનો પર મુક્ત કર્યા હતા અને આ સરકારી વાહન હોવાથી તેમનો કોઈ વાંક ગુનો નહીં હોવાથી આ બસને મુક્ત કરવી જોઈએ. સૂત્રોના જણાવ્યા મુજબ દારૂબંધીનો કાયદો આવ્યા બાદ કોઈ સરકારી વાહન અને ખાસ કરીને એસટી નિગમની બસ જપ્ત કરી લેવામાં આવી હોય તેવો કદાચ આ પ્રથમ કિસ્સો ધ્યાનમાં આવ્યો છે. કાયદાકીય નિષ્ણાંતોના જણાવ્યા મુજબ નવા કાયદામાં સરકારી વાહનોને બાકાત રાખવા કે નહીં તે બાબતે કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. આથી, એસટી નિગમની બસ જપ્ત કરી લેવામાં આવતા એક નવો જ મુદ્દો ઉપસ્થિત થયો છે. કારણ કે, ઘણી વખત એસટી અને રેલવેમાં પણ બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી કરાતી હોવાથી દારૂ પકડાય તો સરકારી વાહનો જપ્ત કરી લેવામાં આવે છે. હવે આ બાબતે કોર્ટ શું નિર્ણય લેશે તે મહત્ત્વનું રહેશે, પરંતુ હાલમાં તો એસટી નિગમની બસ પોલીસ સ્ટેશનમાં ધૂળ ખાતી પડી રહી છે.