(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૦
ગુજરાત સરકાર પુનઃ પ્રાપ્ય ઉર્જા (રિન્યુએબલ એનર્જી)ના પ્રોત્સાહન માટે નવી પોલિસીઓ (નીતિ) બનાવી તેમાં આગળ વધી રહી છે. અગાઉ વિન્ડ પોલિસી, સોલાર પોલિસી સહિત અન્ય યોજનાઓ અમલમાં લાવ્યા બાદ હવે રાજ્ય સરકાર દ્વારા દેશમાં પ્રથમ વખત એક જ જગ્યા પર પવન ઉર્જા તથા સૌર ઉર્જાનું ઉત્પાદન થાય એ માટે સોલાર વિન્ડ હાઈબ્રીડ પાર્કની સ્થાપનની જાહેરાત કરવા સાથે તે અંગેની નવી પોલિસી પણ જાહેર કરી છે. જેમાં આગામી સમયમાં રિન્યુએબલ એનર્જી ઉપર ભાર મૂકતા ૧.ર૦ લાખ કરોડનું મૂડીરોકાણ કરવાનું આયોજન કરાયું છે.
આ મુદ્દે રાજ્યના ઉર્જામંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં સૌર ઉર્જાની સાથે સાથે જ પવન ઉર્જાનું પણ ઉત્પાદન થાય અને બંને પ્રકારની પુનઃ પ્રાપ્ય ઉર્જા ઉત્પાદનને એકસમાન પ્રોત્સાહન મળે તે માટે રાજ્ય સરકારે વિન્ડ સોલાર હાઈબ્રિડ પોલિસી-ર૦૧૮ બહાર પાડી છે. આ પોલિસી અંતર્ગત રાજ્યમાં આવનારા ૧૦ વર્ષમાં ઓછામાં ઓછી ૩૦ હજાર મે.વો. પુનઃ પ્રાપ્ય ઉર્જા ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે જ્યાં સોલાર પાર્ક છે તે જ જમીનમાં સોલારની સાથે જ પવનચક્કી સ્થાપીને પવન ઉર્જા ઉત્પનન કરી શકાશે. આજ રીતે વિન્ડ એનર્જી પાર્ક છે ત્યાં જ ખાલી જમીનમાં સોલાર પેનલો મૂકી સૌર ઉર્જા ઉત્પન્ન કરી શકાશે. આ પોલિસીના કારણે જમીનની બચત થશે. એટલું જ નહીં પણ સોલાર અને વિન્ડ એનર્જી દ્વારા એક જ જમીનનો જુદા જુદા પ્રકારની પુનઃ પ્રાપ્ય ઉર્જા ઉત્પન્ન કરવા ઉપયોગ કરી શકાશે. ઉપરાંત રાજ્યની વણવપરાયેલી બિનઉપજાઉ અને ખરાબાની પડતર જમીનનો રાજ્યના વિકાસ માટે ઉપયોગ થશે. રાજ્ય સરકારની આ નીતિ સંદર્ભે મંત્રીએ વધુ માહિતી આપી હતી કે, રાજ્ય સરકાર દ્વારા આવા હાઈબ્રિડ પાર્ક ડેવલપરને સરકારી ખરાબાની જમીન ૪૦ વર્ષના ભાડા પટ્ટે આપવામાં આવશે. આવા ડેવલપરે ૧૦ વર્ષમાં ભાડાપટ્ટે ફાળવાયેલ જમીન ઉપર તેમના પ્રોજેક્ટના ૧૦૦ ટકા ક્ષમતા ઊભી કરી પુનઃ પ્રાપ્ય ઉર્જા ઉત્પાદિત કરવાની રહેશે. પાર્ક ડેવલપરને સરકારી જમીનના ઉપયોગ બદલ પ્રતિ હેક્ટર રૂા.૧પ૦૦૦ વાર્ષિક ભાડુ સરકારને ચૂકવવાનું રહેશે તથા દર ત્રણ વર્ષે આ ભાડામાં ૧પ ટકાનો વધારો કરવામાં આવશે. મંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે, હાઈબ્રીડ પાર્ક માટે ફાળવવામાં આવતી જમીન આપોઆપ બિનખેતીની જમીન ગણાશે. એવો રાજ્ય સરકારે મહત્ત્વપૂર્ણ નિર્ણય પણ લીધો છે. પાર્ક ડેવલપરની પસંદગી માટે માન મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને એક ઉચ્ચ કક્ષાની સમિતિની રચના કરવામાં આવેલ છે. જે પાર્ક ડેવલપરની પસંદગી તથા અન્ય મહત્ત્વના નીતિ-વિષયક નિર્ણયો લેશે. પાર્ક ડેવલપરની પસંદગી કરતી વખતે સમિતિ ડેવલપરની પસંદગી કરતી વખતે સમિતિ ડેવલપરની નાણાકીય ક્ષમતા રિન્યુએબલ ક્ષેત્રે ટર્નઓવર, નેટવર્થ, ઉત્પાદન ક્ષમતા, તાંત્રિક ક્ષમતા, અનુભવ, ગુજરાતમાં રિન્યુએબલ મેન્યુફેક્ચરિંગ બેઝ, રિન્યુએબલ ક્ષેત્રમાં ગુજરાતમાં મૂડી રોકાણ, રિન્યુએબલ સિવાય ઉર્જા ક્ષેત્રે કરેલ અન્ય કામગીરી વગેરે ટેકનોફાયનાન્સિયલ માપદંડોને ધ્યાને લેશે. ઓછામાં ઓછા ૧૦૦૦ મે.વો.નું ઉત્પાદન થઈ શકે જેટલી જમીન ફાળવવામાં આવશે. આ પાર્કમાં દેશના કોઈપણ રાજ્ય પોતાના રિન્યુએબલ પાવર પર્ચેઝ ઓબ્લિગેશન પૂરા કરવા માટે પોતાના રિન્યુએબલ પ્લાન્ટ સ્થાપી શકશે તથા ઉત્પન્ન થયેલ વીજળી પોતાના રાજ્યમાં લઈ જઈ શકશે.