અમદાવાદ,તા.૧૦
ઇશરત જહાં નકલી એન્કાઉન્ટર કેસનો ચુકાદો આપનાર ગુજરાત હાઇકોર્ટની બે જજની બેન્ચ પૈકીના એક અને મણિપુર હાઇકોર્ટના નિવૃત્ત ચીફ જસ્ટિસ અભિલાષા કુમારીને ગુજરાત રાજ્ય માનવઅધિકાર પંચના ચેરપર્સન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ બાબતે રાજ્યના ગૃહ વિભાગે બુધવારે એક જાહેરનામું બહાર પડ્યું હતું જેમાં જણાવ્યા મુજબ જસ્ટિસ અભિલાષા કુમારીનો કાર્યકાળ પાંચ વર્ષનો રહેશે અથવા તેઓની વય ૭૦ વર્ષની થાય ત્યાં સુધી કે વહેલું પૂર્ણ થાય ત્યાં સુધીની રહેશે.
ઇશરતની માતાએ કરેલી પિટિશનના આધારે ગુજરાત હાઇકોર્ટમાં જસ્ટિસ જયંત પટેલ અને જસ્ટીસ અભિલાષા કુમારીની બેન્ચે પહેલા એસઆઇટીની રચના કરેલી અને તેની તપાસમાં એન્કાઉન્ટર નકલી હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ તપાસ સીબીઆઈને સોંપવાનો આદેશ કરાયો હતો. જસ્ટિસ પટેલે તાજેતરમાં કર્ણાટક હાઇકોર્ટના જજ પદેથી રાજીનામું આપી દીધું હતું. તેઓને બઢતી આપ્યા વગર અલાહબાદ હાઇકોર્ટમાં બદલી કરવાના કારણે આ પગલું લીધું હતું. જસ્ટિસ કુમારીની ગત ફેબ્રુઆરીમાં મણીપૂરના ચીફ જસ્ટિસ પદે બઢતી કરાઈ હતી પરંતુ૧૩ દિવસ બાદ તેઓ નિવૃત્ત થયા હતા. માનવાધિકાર પંચના અધ્યક્ષ પદ લાંબા સમયથી ખાલી હોવાના મુદ્દે હાઇકોર્ટમાં પિટિશન થઈ હતી અને તેમાં સરકારનો જવાબ માંગવામાં આવ્યો હતો. જસ્ટિસ ભગવતી પ્રસાદનું ગત વર્ષે અવસાન થતાં આ જગ્યા ૬ મહિના કરતા વધુ સમયથી ખાલી પડી હતી.