અમદાવાદ,તા.૪
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ સમા પ્રોજેકટ બુલેટ ટ્રેનની જમીન સંપાદન મામલે ખેડૂતોએ કરેલી ૪૭ જેટલી અરજીમાંથી ગુરૂવારના રોજ ૩૦ અરજીઓ પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ હાથ ધરાયેલી સુનાવણીમાં હાઈકોર્ટે રાજય અને કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે તથા રેલવેતંત્ર અને સંબંધિત અન્ય પક્ષોને પણ નોટિસ પાઠવવામાં આવી છે. આ અંગેની વિગતો પ્રમાણે બુલેટ ટ્રેનની જમીન સંપાદન મામલે ગુરૂવારના રોજ સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા કરાયેલી ૪૭ અરજીઓમાંથી ૩૦ અરજીઓની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટે રાજય અને કેન્દ્ર સરકાર તથા રેલપ્રશાસન અને મેટ્રો ટ્રેનને સંબંધિત સત્તાવાળાઓને નોટિસ ફટકારી છે. આ અરજીઓમાં ખેડૂતોએ વળતર અને સામાજિક અસરોનો મુદ્દો ઉઠાવ્યો હતો.
જમીન સંપાદન મામલે અગાઉ પણ અરજીઓ કરાઈ હતી. જે બાદમાં પરત પણ ખેંચાઈ હતી. ત્યાર બાદ પાંચ અરજીઓ કરાઈ હતી. જે પરત ખેચાઈ હતી. ત્યાર બાદ ચોર્યાસી તાલુકામાંથી ૪ પિટિશન પરત ખેંચી હતી. તેની સામે હાઈકોર્ટમાં નથી ૪૬ અરજીઓ કરાઈ હતી. દક્ષિણ ગુજરાતમાંથી અસરગ્રસ્ત ખેડૂત સમાજ સંગઠને પિટિશન કરી હતી. આ ખેડૂતો દ્વારા હાલમાં જે બજાર ભાવ અને નવી જંત્રી પ્રમાણેની વળતરની માગ કરાઈ છે. આ અગાઉ પણ જમીન સંપાદન મુદ્દે અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા એક હજાર એફિડેવિટ કરાઈ છે અને ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં બીજી પણ નવી અરજીઓ હાઈકોર્ટમાં દાખલ થઈ શકે છે. બીજી બાજુ એવા પણ આક્ષેપો થઈ રહ્યા છે કે કેન્દ્ર સરકારના અધિકારીઓ અસરગ્રસ્ત ખેડૂતોને અવનવા પ્રલોભનો આપી આંદોલનો તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે.