જામનગર, તા. ર૩
જામનગરના ખીજડીયા ફિલ્ટર પ્લાન્ટ સુધી આવતી પ૧ કિ.મી. લંબાઈની આજી-૩ ની પાઈપ લાઈન ટેસ્ટીંગ કરવામાં આવી રહી છે. ગઈકાલે જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓએ આજી-૩ ડેમની સાઈટ મુલાકાત કરી સ્થિતિનો તાગ મેળવ્યો હતો.
જામનગર શહેરમાં એકાંતરા પાણી વિતરણ માટે દૈનિક ૧૦પ થી ૧૧૦ એમએલડી પાણીની જરુરિયાત રહે છે.
આ માટે સસોઈ, ઉંડ-૧, નર્મદા પાઈપલાઈન અને આજી-૩ ડેમની પાઈપ લાઈન મારફત પાણી મેળવી લોકોની જરૃરિયાત સંતોષવામાં આવે છે. આજી-૩ ડેમ માંથી હાલ રપ એમ.એલ.ડી. પાણી મેળવવામાં આવે છે.
પરંતુ આગામી સમયમાં વધારે પાણીની જરૃરિયાત ઉભી થાય ત્યારે આજી-૩ ડેમમાંથી રપ એમએલડીના બદલે ૪૦ એમએલડી પાણી ઉપાડવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ માટે નવી પ૧ કિ.મી.ની પાઈપ લાઈન નાખવામાં આવી છે તે માટે રૃા. ૬૪ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
આ નવી પાઈપ લાઈનનું હાલ હાઈડ્રો ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. તેની વિગતો જાણવા અને માહિતગાર થવા માટે ગઈકાલે મેયર હસમુખ જેઠવા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન સુભાષ જોષી, શાસક જુથના નેતા દિવ્યેશ અકબરી, વોટર વર્કસ કમિટીના ચેરમેન નટુભાઈ રાઠોડ અને ભાજપ શહેર મહામંત્રી વિમલભાઈએ આજી-૩ ડેમ સ્થળની જાત મુલાકાત લીધી હતી.
આ સમયે વોટર વર્કસ શાખાના કાર્યપાલક ઈજનેર દિનેશ છત્રાણા, નાયબ ઈજનેર પી.સી. બોખાણી અને વોટર વર્કસ શાખાનો સ્ટાફ પણ સાથે જોડાયો હતો.