અમદાવાદ,તા.૨૮
અમદાવાદના ઓઢવના ૨૦ વર્ષ જૂના ગરીબ આવાસ ધરાશાયીની ઘટનાએ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યુ છે. ગરીબ આવાસ યોજનાના રહીશો દ્વારા રસ્તા રોકો આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. વૈકલ્પિક વ્યવસ્થા ન થવાના કારણે આંદોલનમાં શરૂ કરાયું જેમાં મોટી સંખ્યામાં રહીશો જોડાયા હતા. સાથે જ સ્થાનિકોએ આવાસ યોજનમાં ભ્રષ્ટાચાર થયા હોવાની વિરુદ્ધ પણ આક્રોશ વ્યક્ત કરીને હાઈવે પર ચક્કાજામ કર્યો હતો. ચક્કાજામ થતાં પોલીસે રહીશો પર હળવો લાઠીચાર્જ કર્યો અને મહિલાઓની અટકાયત કરી રસ્તો ખુલ્લો મુકાયો હતો. અમદાવાદ શહેરના ઓઢવમાં ગુરુદ્વારા પાસેના ૨૦ વર્ષ જૂના ઈન્દિરા સરકારી ગરીબ આવાસ યોજના અંતર્ગત બનાવાયેલા શિવમ ફ્લેટના સી બ્લોકના ૨૩ અને ૨૪ નંબરની બે ઈમારતો રવિવારે સાંજે ધરાશાયી થતાં દસથી બાર લોકો દટાયા હતા. ૬ કલાકના રેસ્કયૂના અંતે કાઢવામાં આવેલા ૫ લોકોને ઈજા થઈ છે જ્યારે ૧નું મોત થયું હતું. રાત્રે કાટમાળમાં ફસાયેલાઓને કાઢવા ફાયરના ૮૦ જવાનો અને એનડીઆરએફની પાંચ ટીમો કામે લાગી હતી. સાથે જ સ્નિફર ડોગ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું હતું.