(સંવાદદાતા દ્વારા) માળિયામિંયાણા, તા.ર૮
માળીયામિંયાણા કચ્છ નેશનલ હાઈવે પર હરીપર નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં ૧૧ જણા ઘવાયા હતા. જેમાં ત્રણના મોત થયા હતા. માળીયામિંયાણા કચ્છ નેશનલ હાઈવે પર હરીપર ગામ નજીક પીકઅપ વાન પલટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં આ ગંભીર અકસ્માતમાં ઘટનાસ્થળે બેના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા જ્યારે એકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આમ અકસ્માતમાં ત્રણના મોત થયા હતા જ્યારે આઠ ઘાયલ થયા હતા. મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે કચ્છ નેશનલ હાઈવે પર કચ્છ તરફથી આવતી પીકઅપ બોલેરો વાનનુ ટાયર ફાટતા ડિવાઈડર પર ચડી જતા પલટી મારી ગઈ હતી. કચ્છથી લગ્નપ્રસંગમાંથી પરત ફરતા પરિવારને ગંભીર અકસ્માત નડ્યો હતો જેમા ૧૧ લોકોને ઈજા પહોચી હતી જ્યારે ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા હતા. ઘાયલોને તાત્કાલિક ૧૦૮ મારફતે સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જેમાં મૃતક સમલીબેન ઈસ્માઈલભાઈ આમદાણી (ઉ.વ ૧૮ રહે. સુરેન્દ્રનગર) અને સલીમ ઈશાભાઈ ભટ્ટી (ઉ.વ ૨૫ રહે ધાંગ્રધા)ના ઘટનાસ્થળે મોત થયા હતા. જ્યારે ઘાયલોમાં નાગોરી સિદીકભાઈ મોવર, નિલેશ આડોદરિયા, રહીમ ઈશાભાઈ ભટ્ટી (રહે. તમામ ધાંગ્રધા), સાનિયા અલ્લારખા (રહે. વિદરકા) શેરબાનુ અયુબભાઈ, અયુબભાઈ ઈસ્માઈલભાઈ તથા ઈમરાનભાઈ સામતાણી કુલસુમ સંધવાણી, હિતેશ નકુમ તથા નસીમાબેન અલારખા સંધવાણી, સાનિયા સંધવાણી, અફસાના યુનુસભાઈ, જન્મતબેન જુસબભાઈ ભટ્ટી અને ઝુબેદા ગિલાભાઈ સહિતનાઓને ઈજાઓ પહોંચી હતી. અકસ્માતના પગલે કચ્છ નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ દૃશ્યો સર્જાયા હતા. ઘટના અંગેની જાણ માળિયા પોલીસને થતા માળિયા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ટ્રાફિકને પૂર્વવત કરી લાશોને હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.