(એજન્સી) કેરળ,તા.૨૮
દેશભરમાં નાગરિકત્વ સુધારા કાયદા સામે વિરોધ પ્રદર્શન ચાલુ હોવાન વચ્ચે કેરળના એક ચર્ચએ મુસ્લિમ સમુદાયના લોકો સાથે એકજૂટ હોવાની અનોખી રીત બતાવી. કૅરોલના એક ગ્રુપે મુસ્લિમોના પરંપરાગત કપડાં ટોપી અને હિજાબ પહેરી ક્રિસમસનું કૅરોલ ગાયુ હતું. આ એકતાની મિશાલ કેરળના પઠાણમથીટ્ટા જિલ્લાના કોઝેનચેરીના એક ચર્ચમાં બની હતી. વિડિઓ પ્રસારિત કરતી એક સ્થાનિક ઑનલાઇન ચેનલ અનુસાર, કૅરોલને ક્રિસમસ દરમિયાન સેન્ટ થોમસ માર્થોમા ચર્ચમાં ગાવામાં આવ્યું હતું. કૅરોલ ગાતો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને તેને સોશિયલ મીડિયા પર ખૂબ જ શૅર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો કોંગ્રેસના સાંસદ શશી થરૂરે પણ શૅર કર્યો અને લખ્યું કે, અરે હા તેમના કપડામાંથી તેઓ કોણ છે તે તમે કહી શકો? સિટીઝનશીપ ઈન ઈન્ડિયા (એમેન્ડમેન્ટ) એક્ટ પહેલીવાર ભારતમાં નાગરિકત્વનું પરીક્ષણ કરે છે. સરકારનું કહેવું છે કે ધાર્મિક અત્યાચારના કારણે તેઓ ત્રણ મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોના નાગરિકોને નાગરિકત્વ પ્રાપ્ત કરવામાં મદદ કરશે. ટીકાકારો કહે છે કે તે મુસ્લિમો સામે ભેદભાવ રાખવા અને બંધારણના ધર્મનિરપેક્ષ સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરવા માટે રચાયેલ છે. સંસદ દ્વારા ૧૧ ડિસેમ્બરે નાગરિકતા સુધારા બિલ પસાર થયા બાદ દેશના વિવિધ ભાગોમાં વિરોધ પ્રદર્શન શરૂ થયાં છે, અને ઓછામાં ઓછા ૨૫ લોકો માર્યા ગયા છે, ઘણા લોકો ઘાયલ થયા છે અને હજારો લોકોની અટકાયત કરવામાં આવી છે.