(એજન્સી) લંડન, તા. ૧૩
સમગ્ર વિશ્વમાં ઇસ્લામોફોબિયા એક ખતરનાક રોગની જેમ ફેલાઇ રહ્યો છે અને લોકો અમાનવીય બની રહ્યા છે અને મુસ્લિમ સમુદાય સામે વંશીય ટિપ્પણીઓ કરી રહ્યા છે. બ્રિટનમાં હિજાબ પહેરેલી એક મુસ્લિમ મહિલાનો બચાવ કરવા બદલ ભારતીય મૂળના એક ૨૮ વર્ષીય વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યો હોવાનું મીડિયાના અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે.
કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પોલિટિકલ સાયન્સનો વિદ્યાર્થી રિકેશ અડવાણી પર એક બ્રિટિશ ગોરા દ્વારા વંશીય રીતે હુમલો કરવામાં આવ્યો હતો. અડવાણીએ હિજાબ પહેરેલી એક મુસ્લિમ મહિલા પર ખરાબ ટિપ્પણીઓ કરતા ગોરાને સાંભળ્યા બાદ અડવાણીની તેની સાથે ઉગ્ર બોલાચાલી થઇ હતી. ગોરાએ મહિલા સામે સેક્સી ટિપ્પણીઓ કરી હતી અને મહિલાનો બચાવ કરવા બદલ ગોરાએ અડવાણીને મોટેથી ‘બ્રેક્ઝિટ ગો હોમ’કહ્યું હતું. આ ઘટના અંગે તપાસ ચાલુ છે પરંતુ હજી સુધી કોઇની ધરપકડ કરવામાં આવી નથી. દરમિયાન, કોર્નફોર્ડ હાઉસ સર્જરીએ આ ઘટના બદલ માફી માગી છે.
અડવાણીએ જણાવ્યું કે મેં ધોળીયા મોઢેથી સાંભળેલા અપશબ્દોથી મને નફરત થઇ ગઇ છે અને માની શકતો નથી કે ૨૦૧૮માં પણ લોકો આવા ધર્માંધ હોય છે. બ્રિટિશ ગોરાને મહિલા સામે વંશીય ટિપ્પણીઓ નહીં કરવાનું નમ્રતાપૂર્વક કહ્યું હતું અને મને એવી આશા હતી કે ગોરો હવે વંશીય ટિપ્પણીઓ કરવાનું બંધ કરી દેશે પરંતુ ગોરાએ બિનજરૂરી મારા પર આક્રમક થઇ ગયો. ગોરાની વંશીય ટિપ્પણીઓનો વિરોધ કરવા માટે સર્જરીરૂમમાં બેઠેલો કોઇપણ દર્દી કે અન્ય કોઇ પણ વ્યક્તિ ઉભો ન થયો. અડવાણીએ એવું પણ કહ્યું કે આ બધું જોઇને મને ભારે આઘાત લાગ્યો. હું એક જ માણસ હતો જે ગોરાના અપશબ્દોનો વિરોધ કરી રહ્યો હતો જ્યારે અન્ય બધા લોકો મૂક પ્રેક્ષક બનીને બેઠા હતા અને તેની ખરાબ વંશીય ટિપ્પણીઓ સાંભળી રહ્યા હતા. મેં આગળ વધીને તેને કહ્યું કે આ ખોટું છે. અડવાણીએ જણાવ્યું કે જ્યારે મેં પોલીસને બોલાવવા કહ્યું તો બધા ચુપ બેઠેલા હતા.