કોડીનાર,તા.૧પ
શાપુરજી પાલોનજી ગ્રુપના કોડીનાર ખાતેના છારા-સરખડી ગામ નજીક સીમાર પોર્ટ ખાતે વેસ્ટ કોસ્ટ લીક્વીડ ટર્મીનલ નામે આકાર લઈ રહેલ ૧૦ એમ.એમ.ટી.પી.એ.ની ઉત્પાદન અને સ્ટોરેજ પ્લાનને પર્યાવરણીય મંજૂરી આપવામાં આવશે તો આ વિસ્તારના હજારો માછીમારોને હિજરત કરવી પડશે અને આ વિસ્તારનો મચ્છી ઉદ્યોગ સાવ મૃતપ્રાય બની જશે. તેમજ ભવિષ્યમાં ક્યારેય ભરપાઈ નહીં થઈ શકે તેવું હવા અને દરિયાઈ પર્યાવરણનું નુકસાન થઈ શકે તેમ છે.
વેસ્ટ કોસ્ટ લીક્વીડ ટર્મીનલ દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રોજેક્ટ રિપોર્ટ સરળ ગુજરાતી ભાષામાં રજૂ કરવો જોઈએ તેના બદલે ગુજરાતી ભાષામાં રજૂ કરેલા રિપોર્ટમાં અંગ્રેજી શબ્દોના પ્રયોગ કરી આ વિસ્તારની અભણ અને મજુરી કામ કરી રોજીરોટી મેળવતા લોકોને છેતરવાનો પ્રયાસ કર્યો છે.
કોડીનારના છારા-સરખડીના દરિયાકાંઠાના અભ્યાસ દરમ્યાન જાણવા મળ્યું છે કે આ વિસ્તારમાં ઉનાળાની ઋતુ દરમ્યાન ફલાયટો પ્લાકટોની નામની દરિયાઈ વનસ્પતીનું મોટા જથ્થામાં પ્રમાણ નોંધાયું છે. આ પ્રકારની વનસ્પતીના સુર્ય પ્રકાશ સાથેના પ્રકાશ સંલેષણની પ્રક્રિયાથી પૃથ્વી ઉપરના હયાત ઓક્સિજનમાં પ૦ % ઉપરાંત ઓક્સિજન ઉત્પન્ન થાય છે. કંપની દ્વારા લીકવીડ ટર્મીનલના પ્રોજેક્ટમાં વપરાયેલ ઓઈલ, ઈ.ટી.પી.વેસ્ટ, પીગીંગ વેસ્ટ સહિતના જોખમી જેરી કચરો દરિયામાં જવાથી દરિયાઈ વનસ્પતી સંપૂર્ણ નાશ પામશે જેથી ઓક્સિજન ઉત્પાદનની પ્રક્રિયા થઈ શકશે નહીં. આ ઉપરાંત આ જોખમી કચરાથી દરિયાઈ મત્સઉદ્યોગ સંપૂર્ણ નાશ પામશે જેથી માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા હજારો લોકોને સ્થળાંતર (હિજરત) કરવાનો વખત આવશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.
કંપનીએ રજૂ કરેલા પ્રોજેક્ટ રિપોર્ટમાં પ્રોજેક્ટ ચાલું થતા માત્ર ૭૦ વ્યક્તિને જ કાયમી રોજગારી મળશે ત્યારે ૭૦ વ્યક્તિ માટે હજારો માછીમારોની રોજીરોટી છીનવાઈ જશે તેનું શું ?
અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વના વિકસીત દેશોમાં એકાદ બે દેશને બાદ કરતા ક્યાંય આ પ્રોેજેક્ટને પર્યાવરણના ભોગે મંજૂરી અપાતી નથી ત્યારે ભારતના કેરળ-મહારાષ્ટ્ર અને ગુજરાતમાં તો દહેજ-મુન્દ્રા-હજીરા અને કોડીનાર એમ ચાર-ચાર જગ્યાએ આવા લીકવીડ ટર્મીનલ પ્રોજેક્ટને મંજૂરી આપી ગુજરાતના દરિયાકાંઠાનું ધનોત પનોતને આમંત્રણ આપ્યું છે. ત્યારે ગુજરાતના માછીમારોનો વિદેશી હૂંડિયામણની આપતી ફીસીંગ ઉદ્યોગ મૃતપ્રાય બની શકે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. ત્યારે કોડીનારના છારા-સરખડી ગામના સીમાર પોર્ટ ખાતે આવનાર ટર્મીનલ પ્રોજેક્ટનો આ વિસ્તારમાં જોરદાર વિરોધ વંટોળ ઉઠ્યો છે.