(એજન્સી) શિમલા, તા.૩
દેશભરમાં મોનસુન બેસી ગયું છે ત્યારે દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને પુરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જેમાં હિમાચલ પ્રદેશના શિમલામાં છેલ્લાં ૨૪ કલાકમાં વરસાદે રેકોર્ડ તોડયો છે. જેના પગલે હવામાન વિભાગે એલર્ટ પણ જાહેર કર્યું છે. કેટલાંક વિસ્તારમાં ભૂસ્ખલનની ઘટના પણ સામે આવી હતી અને વાહનો દબાઈ જવાના કિસ્સા પણ બન્યા હતા. શિમલામાં માત્ર એક કલાક દરમિયાન રેકોર્ડ બ્રેક ૭૫ એમએમ વરસાદ નોંધાયો છે. તો પાલમપુરમાં ૮૫ એમએમ વરસાદ નોંધાયો. છેલ્લાં ૨૪ કલાકમાં ચાંબા, કંગરા, મંડી જિલ્લામાં પણ ભારે વરસાદ જોવા મળ્યો. જ્યારે ગઈ મોડી સાંજે શિમલામાં ૯૮ એમએમ વરસાદ નોંધાયો છે. જ્યારે નીંચાણવાળા વિસ્તારમાં ૧૦૦ એમએમ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પ હાડી વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે. જેના પગલે તંત્રને એલર્ટ પણ કરી દેવાયું છે. ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં ભારે પવન સાથે વરસાદ પડતા જનજીવન ઠપ થયું હતું. ભારે પવન ફૂંકાતા શહેરમાં ઠેકઠેકાણે વીજળીના થાંભલા અને વૃક્ષો ધરાશયી થયા હતા. વીજળીના થાંભલા પડતા ૧૦ લોકોનાં મોત થયા છે. તો વૃક્ષો ધરાશયી થતા કેટલીક જગ્યાએ ટ્રાફિક જામના દ્રશ્યોની સાથે રસ્તા પણ બ્લોક થયા હતા. નેશનલ હાઈવે પર લાજપત નગરમાં લગભગ ૧૦૦ ફૂટ ઉંચુ ઝાડ ધરાશયી થતા રસ્તો બ્લોક થયો હતો.