(એજન્સી)
શ્રીનગર, તા.૨૯
કાશ્મીરમાં શનિવારે મોડી રાત્રે રિક્ટર સ્કેલ પર ૫.૭ની તીવ્રતાના પ્રચંડ ભૂકંપના કારણે ખળભળાટ મચી ગયો હતો. લોકોમાં દહેશત પણ ફેલાઈ ગઈ હતી. ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઇ સમાચાર મળ્યા નથી પરંતુ હવામાન વિભાગના કહેવા મુજબ શનિવારે મોડી રાત્રે ૧૧.૧૫ વાગ્યાની આસપાસ રિક્ટર સ્કેલ ઉપર ૫.૭ની તીવ્રતાના પ્રચંડ ભૂકંપના આંચકાના કારણે દહેશત ફેલાઈ ગઈ હતી. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના હિન્દુકુશ વિસ્તારમાં ૧૦૦ કિલોમીટરની ભૂગર્ભ સપાટીમાં રહ્યું હતું. ઉત્તર પાકિસ્તાનમાં પણ આંચકાઓ અનુભવાયા હતા. પાકિસ્તાનમાં ભૂકંપ સંબંધિત વિભાગના અધિકારીઓનું કહેવું છે કે, આની તીવ્રતા ૫.૯ આંકવામાં આવી હતી. ભૂકંપના આંચકા ઉત્તરમાં અફઘાનિસ્તાન સરહદે આદિવાસી વિસ્તારો અને પૂર્વીય પ્રાંત પંજાબના લાહોરથી લઇને આસપાસના અન્ય વિસ્તારોમાં અનુભવ કરવામાં આવ્યા હતા. કાશ્મીર અને ઉત્તરીય પાકિસ્તાન ભૂકંપના સૌથી અસરગ્રસ્ત વિસ્તારો પૈકીના એક તરીકે છે. વર્ષ ૨૦૦૫માં આવેલા ભીષણ ભૂકંપમાં ઉત્તરીય પાકિસ્તાન તથા પાક કબજા હેઠળના કાશ્મીરમાં વ્યાપક નુકસાન થયું હતું. ૭૦૦૦૦થી વધુ લોકોનાં મોત થયા હતા. મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતના જુદા જુદા ભાગોમાં હાલના સમયમાં આંચકાઓ આવતા રહ્યા છે. ૨૭મી ઓક્ટોબરના દિવસે હિમાચલ પ્રદેશમાં સવારે ભૂકંપના આંચકાના કારણે વ્યાપક દહેશત ફેલાઇ ગઇ હતી. લોકો ઘરની બહાર દોડી ગયા હતા. ભૂકંપ સાથે સંબંધિત વિભાગે માહિતી આપતા કહ્યું છે કે સવારમાં આ આંચકો આવ્યો હતો. રાજ્યના મંડી જિલ્લામાં આ આંચકો આવ્યો હતો. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૪ નોંધાઇ હતી. સવારે ૮.૧૦ વાગ્યાની આસપાસ આ આંચકો આવ્યો હતો. ભૂકંપના કારણે જાનમાલનું કોઇ નુકસાન થયું નથી. હિમાચલ પ્રદેશ અર્થક્વેક ઝોન હેઠળ આવે છે. અહીં વારંવાર આંચકા આવતા રહે છે. કાનગરા ખીણમાં વર્ષ ૧૯૦૫માં વિનાશકારી ભૂકંપ આવ્યો હતો. જેમાં ૨૦૦૦૦થી પણ વધારે લોકોનાં મોત થયા હતા. હિમાચલ પ્રદેશની સાથે સાથે દેશના કેટલાક ભાગોમાં હાલના મહિનાઓમાં આંચકા આવતા રહ્યા છે. આ આંચકાઓના કારણે ટિકા ટિપ્પણી પણ થતી રહી છે. ભારતના ભૂકંપ સાથે સંબંધિત વિભાગ દ્વારા આમાં તપાસ કરવામાં આવી રહી છે. નિષ્ણાંતોની ટીમ અભ્યાસ પણ કરી રહ છે. વિશ્વના દેશોમાં આવતા વિનાશકારી ધરતીકંપની અસર પણ દુરગામી દેશોમાં થાય છે.જેમાં ભારત સામેલ છે.