(એજન્સી) ઈટાનગર, તા. ૩૧
એક અણધાર્યુ પગલું ભરતાં ભાજપે મંગળવારે પ્રેમકુમાર ધુમલને ભાજપના મુખ્યમઁત્રી પદના ઉમેદવાર જાહેર કરી દીધાં છે. સોલન જિલ્લામાં રાજગઢમાં એક રેલીને સંબોધિત કરતાં પાર્ટી અધ્યક્ષ અમિત શાહે એવી જાહેરાત કરી કે ૭૩ વર્ષના બે વારના મુખ્યમંત્રી ધુમલની આગેવાનીમા ભાજપ ચૂંટણી પ્રચારમાં ઉતરશે.શાહે કહ્યું કે હિમાચલ પ્રદેશન ચૂંટણીમાં ભાજપ પ્રેમકુમાર ધુમલની આગેવાનીમાં ચૂંટણી લડશે અને તેઓ ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર રહેશે. કેન્દ્રીય મંત્રી જે પી નડ્ડાએ પણ રાજ્યના મુખ્યમંત્રી બનવાની આશા રાખીને બેઠા હતા પરંતુ તેમને બદલે વયોયુદ્ધ ધુમલ પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો. લોકપ્રિયતા અને કાર્યકરોની સ્વીકાર્યતા જેવા પરિબળો તેમની તરફેણમાં નિર્ણાયક બન્યા. આને કારણે ભાજપ મોવડી મંડળને ધુમલને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવાની ફરજ પડી. કેન્દ્રીય નેતૃત્વને એવી પણ આશંકા હતી કે જો ધુમલના નામની જાહેરાત નહીં થાય તો તેનાથી પાર્ટીની જીતની સંભાવના ધૂંધળી બનશે.. તાજેતરમાં પાર્ટી દ્વારા કરવામાં આવેલા સર્વેમાં પણ એવી વાત બહાર આવી કે મુખ્યમંત્રી તરીકે ધુમલ સર્વશ્રેષ્ઠ પસંદગી છે જેને આધારે મોવડીમંડળ દ્વારા ધુમલના નામની પસંદગી કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.