(એજન્સી) નવી દિલ્હી,તા. ૨૩
ગુજરાત ચૂંટણીની તારીખોને લઇને ચાલી રહેલા રાજકીય ધમસાણ વચ્ચે મુખ્ય ચૂંટણી કમિશનરે સંકેત આપ્યો છે કે, હિમાચલ પ્રદેશ ચૂંટણીના પરિણામ પહેલા ગુજરાતમાં ચૂંટણી કરાવી દેવામાં આવશે. મુખ્ય ચૂંટણી કમિશનર અચલકુમાર જ્યોતિએ માહિતી આપતા કહ્યું છે કે, ચૂંટણી પંચ આ પ્રકારની યોજના પર કામ કરી રહ્યું છે કે, હિમાચલ પ્રદેશમાં ચૂંટણીના પરિણામ પહેલા જ ગુજરાતમાં ચૂંટણી કરાવી દેવામાં આવે જેથી આ પરિણામોની અસર ગુજરાત વોટિંગ ઉપર થશે નહીં. હિમાચલ પ્રદેશમાં નવમી નવેમ્બરના દિવસે મતદાન થનાર છે. જ્યારે ૧૮મી ડિસેમ્બરના દિવસે મતગણતરી થનાર છે. આ સંબંધમાં સીઈસીએ કહ્યું છે કે, ત્યાંના સ્થાનિક વહીવટીતંત્ર અને પાર્ટીઓએ ચૂંટણી પંચને રજૂઆત કરી હતી કે, નવેમ્બરના મધ્યમાં ચૂંટણી યોજવામાં આવે અને હવામાનની દ્રષ્ટિએ પણ આ સ્થિતિ આદર્શ રહેશે. કારણ કે, ઠંડીના દિવસોમાં ત્રણ જિલ્લાઓમાં હિમવર્ષાના કારણે હિમાચલ પ્રદેશમાં હમેશા તકલીફ ઉભી થાય છે. બીજી બાજુ કોંગ્રેસ સતત હિમાચલ પ્રદેશની સાથે ગુજરાતની ચૂંટણી તારીખો જાહેર નહીં થવાને લઇને પ્રશ્નો ઉઠાવી રહી હતી. કોંગ્રેસના નેતા મનિષ તિવારીએ કહ્યું છે કે, ચૂંટણી પંચને વહેલીતકે ગુજરાતમાં પણ ચૂંટણી પંચે જાહેરાત કરી દેવી જોઇએ. હજુ સુધી તારીખોની નહીં થવાને લઇને સીઈસી જ્યોતિએ કહ્યું છે કે, હકીકતમાં ગુજરાતમાં અનેક વિસ્તારોમાં હજુ પુરગ્રસ્ત સ્થિતિ સર્જાયેલી છે. કેટલાક વિસ્તારોમાં રાહત કામગીરી ચાલી રહી છે. જેમાં મોટી સંખ્યામાં સરકારી વ્યવસ્થા લાગેલી છે. ગુજરાત સરકારના ૨૬૪૪૪ કર્મચારીઓને ચૂંટણી ફરજમાં રોકવામાં આવશે.