(એજન્સી)
નવી દિલ્હી, તા.ર૦
હિમાચલ પ્રદેશના રામપુરમાં બસ ખીણમાં ખાબકી છે. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા ૨૮ લોકોનાં મોેત નિપજ્યા હોવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યારે અન્ય ૯ લોકો ઘાયલ થયા છે. રામપુર વિસ્તાર શિમલાથી ૧૨૫ કિ.મી. દૂર આવેલો છે. આ બસ કિન્નોરથી સોલન જઈ રહી હતી, જેમાં લગભગ ૪૦ મુસાફરો હતા. આ દુર્ઘટના બાદ રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શિમલાના રામપુરની પાસે એક ખાનગી બસ સતલુજ નદીમાં ખાબકતાં ૨૮ લોકોના મોત નિપજ્યા છે. આ દુર્ઘટનામાં ઘણાં લોકો ઘાયલ પણ થયા છે. તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘાયલ લોકોમાંથી કેટલાંકની હાલત ખૂબ જ ગંભીર છે.
પોલીસ અનુસાર, આ દુર્ઘટના હિન્દુસ્તાન-તિબેટ રાષ્ટ્રીય રાજમાર્ગ પર ઘટી છે. કિન્નોરના રેકાંગથી સોલનમાં નઉની જઈ રહેલી બસમાં લગભગ ૪૦ મુસાફરો હતા. આ દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા વધી શકે છે. બચાવ કામગીરી ચાલી રહી છે. એસ.ડી.એમ. મિથુન જિંદલ અને ડી.એસ.પી. દેવા સિંહ નેગી ઘટના સ્થળ પર હાજર છે. શિમલાના નાયબ કમિશ્નર રોહન ચંદ ઠાકુરે કહ્યું કે, ઘાયલોને ખાનેરીની સદર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હજી સુધી ૧૫ મૃતદેહો મળી આવ્યા છે. પોલીસે આ અંગે કેસ નોંધી લીધો છે. જો કે, આ દુર્ઘટનાનું કારણ હજી સુધી જાણી શકાયુું નથી. રાહત અને બચાવ કામગીરીની દેખરેખ માટે એન.ડી.આર.એફ.ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.
જો કે, એક દિવસ અગાઉ જ હિમાચલ પ્રદેશના ચંબા વિસ્તારમાં ભૂકંપના હળવા આંચકાઓ અનુભવવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં મે મહિનામાં પણ સતત ત્રણ દિવસો સુધી ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા. સ્થાનિક હવામાન વિભાગના નિર્દેશક મનમોહન સિંહે જણાવ્યું કે, “સાંજે ૭ઃ૧૮ કલાકે રિક્ટર સ્કેલ પર ૩.૪ની તીવ્રતાના ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા.” હિમાચલ પ્રદેશની કાંગડી ઘાટીમાં ૧૯૦૫માં સૌથી વધુ વિનાશકારી ભૂકંપ આવ્યો હતો, જેમાં ૨૦,૦૦૦થી વધુ લોકો માર્યા ગયા હતા.