(સંવાદદાતા દ્વારા) હિંમતનગર, તા.૧૦
સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ માઈનોરિટી ડિપાર્ટમેન્ટ દ્વારા હિંમતનગર શહેરના નવા સર્કિટ હાઉસ ખાતે ગતરોજ કારોબારી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાજેતરમાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને કરોડો રૂપિયાની લાલચ આપી હોવા છતાં કોંગ્રેસ પક્ષને વફાદાર રહી કોંગ્રેસના ઉમેદવારને મત આપી વિજયી બનાવવા બદલ ધારાસભ્ય અશ્વિન કોટવાલ તથા મહેન્દ્રસિંહ બારૈયાનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
માઈનોરિટી સમાજના આગેવાનો તથા હોદ્દેદારોએ કોઈ પણ લોભ-લાલચમાં આવી સમાજના ગદ્દારોની વાતોમાં આવ્યા વગર કોંગ્રેસ પક્ષને વધુમાં વધુ મતદાન કરાવી વિજયી બનાવવા માઈનોરિટી ડિપાર્ટમેન્ટના પ્રદેશ પ્રમુખ ગુલાબખાન રાઉમાએ અપીલ કરી હતી ત્યારે અશ્વિન કોટવાલે જણાવ્યું હતું કે માઈનોરિટી સમાજ હંમેશા કોંગ્રેસ સાથે રહ્યો છે અને તાજેતરમાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં અહમદભાઈ પટેલના વિજય બાદ સમગ્ર કોંગ્રેસ પક્ષમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે તયારે માઈનોરિટી સમાજે જંગી મતદાન કરી કોંગ્રેસના ઉમેદવારોને વિજયી બનાવવા અપીલ કરી હતી. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી તરીકે ગોપાલસિંહ રાઠોડ, મંત્રી અશોક પટેલ તથા જિલ્લામાં નવા નિમાયેલા પ્રમુખ મણીભાઈ પટેલનું પણ શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ મીટિંગમાં માઈનોરિટી કોંગ્રેસના પ્રમુખ ગુલાબખાન રાઉમા, ધારાસભ્ય અશ્વિન કોટવાલ, મહેન્દ્રસિંહ બારૈયા, ગોપાલસિંહ રાઠોડ, અશોક પટેલ જિલ્લા કોંગ્રેસ માઈનોરિટી પ્રમુખ ઈમરાન ઠાકોર સદસ્ય મુદસ્સર વિજાપુરા, પાકિઝાબેન, ટી.વી. પટેલ, ઈમરાન બાદશાહ, વલીભાઈ વિજાપુરા, યુસુફભાઈ બાચ્ચા વગેરે મુસ્લિમ સમાજના હોદ્દેદારો તથા કાર્યકરો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.