હિંમતનગર, તા.૧૯
કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં નાગરિકતા સુધારા કાનૂન તથા સીએબીનું બિલ પાસ કરીને તેને અમલી બનાવવાનો નિર્ણય કર્યો છે ત્યારે ગુરૂવારે હિંમતનગરના સવગઢ પંચાયતમાં આવેલ પ્રાણપુર ક્રોસરોડ (પાટિયા)વિસ્તારના વેપારીઓએ બંધના એલાનમાં જોડાઈને જડબે સલાક બંધ પાળીને ધંધા રોજગાર બંધ રાખ્યા હતા. જો કે, હિંમતનગર તાલુકાના પાણપુર ગામે આવેલ લઘુમતી સમાજના વેપારીઓએ પોતાના ધંધા રોજગાર સવારે થોડોક સમય બંધ રાખીને ફરીથી ચાલુ કરી દીધા હતા. દરમ્યાન ઈલોલના મોટાભાગના વિસ્તારમાં ગરૂવારે વીજપુરવઠો બંધ હોવાને કારણે વેપારીઓએ પણ પોતાના ધંધા રોજગારમાં નીરસતા દાખવી હતી.
તો બીજી તરફ પાણપુર પાટિયા વિસ્તારમાં બંધ પાળવામાં જોડાયેલા સાત જણાની પોલીસે અટકાયત કરી લીધી હતી. બંધને લીધે ગુરૂવારે પાણપુર પાટિયા વિસ્તાર સૂમસામ ભાસતો હતો. તો બીજી તરફ હિંમતનગર તાલુકાના ઈલોલ ગામે પણ બંધના પગલે સવારના સમયે વેપારીઓએ બંધમાં જોડાઈને ધંધા રોજગાર બંધ રાખ્યા હતા. મળતી માહિતી મુજબ ઈલોલના કેટલાક વિસ્તારોમાં ગરૂવારે વીજ કંપની દ્વારા સમારકામ કરાયું હોવાને લીધે કેટલાક કલાકો સુધી વીજ પુરવઠો બંધ હોવાનો કારણે વેપારીઓએ પણ નીરસતા દાખવીને એક દિવસ વધુ આરામ કરવાનું મુનાસીબ માન્યું હતું.