(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૭
ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુને પત્ર લખી માગણી કરી છે કે હાલમાં ચૂંટાયેલ એમડીએમકેના સાંસદ વાયકોની રાજ્યસભાની સદસ્યતા રદ કરવામાં આવે. સ્વામીનો દાવો છે કે, વાયકોએ હિન્દુ વિરૂદ્ધ ટિપ્પણીઓ કરી ભારતના બંધારણનો ભંગ કર્યો છે. એમણે ૧૬મી જુલાઈના રોજ પત્ર લખી જણાવ્યું છે કે, વાયકોએ હિન્દી વિરૂદ્ધ ટિપ્પણીઓ કરી બંધારણના અનુચ્છેદ ૩પ૧નો ભંગ કર્યો છે. આ મામલો રાજ્યસભાની નૈતિક કમિટી તરફ મોકલવો જોઈએ અને વાયકોને બરતરફ કરતો ઠરાવ પસાર કરવો જોઈએ. સ્વામીએ કહ્યું કે, વાયકોએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, હિન્દી વિકસિત ભાષા નથી અને હિન્દી સાહિત્યનું એક જ પુસ્તક પ્રકાશિત થયું છે એ છે રેલવે ટાઈમ ટેબલ. આ વાત બધા ભારતીયોનું અપમાન છે. વાયકોએ વડાપ્રધાન સમક્ષ માગણી કરી હતી કે એમણે સંસદમાં માત્ર અંગ્રેજીમાં જ સંબોધન કરવા જે આપણા દેશની રાષ્ટ્ર ભાષાનું અપમાન છે. અનુચ્છેદ ૩પ૧ હેઠળ હિન્દીને દેશની અધિકૃત ભાષા જાહેર કરાઈ છે. સ્વામીએ વધુમાં જણાવ્યું કે, વાયકો સંસ્કૃતને એક મૃત ભાષા તરીકે જણાવી રહ્યા છે જ્યારે અનુ. ૩પ૧માં જણાવેલ છે કે સંસ્કૃત ભાષા હિન્દીના શબ્દકોષ માટે ઉપયોગ કરવી. સ્વામીએ કહ્યું વાયકોએ બંધારણને સન્માન અને માન્યતા આપવાના જે સોગંદ રાજ્યસભાના સભ્ય થતી વખતે લીધા હતા એનો ભંગ કર્યો છે જેથી એમનું સભ્ય પદ ત્વરિત રદ કરવું જોઈએ.
હિન્દી વિરૂદ્ધ ટિપ્પણીઓ કરવા બદલ સ્વામીએ વાયકોનું રાજ્યસભા સભ્યપદ રદ કરવા માગણી કરી

Recent Comments