(એજન્સી)
નવી દિલ્હી, તા.ર૯
દેશમાં અવાર-નવાર હિન્દુ-મુસ્લિમ વચ્ચે ઘણાં પ્રકારના વાદ-વિવાદ જોવા મળે છે. પરંતુ ક્યારેક-ક્યારેક હિન્દુ-મુસ્લિમ એકતાનું અનોખું ઉદાહરણ પણ લોકોના હૃદયમાં સ્થાન મેળવી લે છે. આવું જ કંઈક બન્યું છે એક મુસ્લિમ યુવક મો.જહાંગીર અને એક હિન્દુ સગીરા દિપિકા કુમારીની સાથે જ્યાં જહાંગીરે ૧પ વર્ષની સગીરાને પોતાનું રક્તદાન કર્યું છે. ૧પ વર્ષની સગીરાને રક્તદાન કરનારો યુવક મો.જહાંગીર એક સામાજિક કાર્યકર્તા છે.
મીડિયાના અહેવાલો અનુસાર, દીપીકાકુમારીની કીડની ખરાબ થઈ ગઈ છે અને તેની સારવાર બેગૂસરાયની અમૃત જીવન નામની ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી હતી. જ્યાં ડૉકટર્સે કહ્યું કે દીપિકાને લોહીની જરૂર છે. ત્યારબાદ, દીપિકાના પરિજનો લોહી માટે અહીંથી તહીં ભટકતાં જોવા મળ્યા, પરંતુ આખરે તેમને લોહી મળી શક્યું નહીં.
દીપિકાને લોહીની જરૂરિયાત છે, તેવી સૂચના જ્યારે મો.જહાંગીરને મળી તો તેઓ ટૂંક સમયમાં જ હોસ્પિટલમાં પહોંચ્યા અને તેમણે તરત જ દીપિકાકુમારીને રક્તદાન કર્યું. જહાંગીરના આ પ્રશંસનીય કામ અંગે દીપિકાના ભાઈઓએ મો.જહાગીર ઉર્ફે શાબાનને કહ્યું કે, જ્યાં લોકો એકબીજાના લોહીના તરસ્યા છે, એવી પરિસ્થિતિમાં તમે ધર્મને ના જોતાં અમારી મદદ કરી. આ અંગે જહાંગીરે કહ્યું કે, માણસાઈ ધર્મની સરહદોને માનતી નથી અને લોહી બનાવવું એ માણસના હાથમાં નથી. તેથી એકબીજાના સહારે જ આ સારૂં કાર્ય આપણે કરી શકીએ છીએ.