નવી દિલ્હી, તા. ૧૧
ગત મહિને એક મુસ્લિમ ગાયકની હિંદુ પુજારી અને તેના મિત્રો દ્વારા હત્યા કરી દીધા બાદરાજસ્થાનના એક ગામમાંથી ૨૦૦ મુસ્લિમોએ હિજરત કરી જવાની ફરજ પડી છે તેમ પોલીસે જણાવ્યંુ હતું. ૨૭મી સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાન સરહદ નજીક આવેલા દંતાલ ગામ નજીક વિવાદ સર્જાયો હતો જ્યારે હિંદુ પુજારીએ દેવીઓને ખુશ કરવા માટેના ભજનમાં અહમદ ખાન ભૂલ કરતો હોવાનો આરોપ લગાવી તેના મિત્રો સાથે મળી અહમદખાનની હત્યા કરી દીધી હતી. ૪૫ વર્ષનો અહમદ લાંગા મંગાનિયાર સમુદાયનો સભ્ય છે જે હિંદુ ધાર્મિક ભજનો ગાય છે અને મંદિરોમાં આદ્યાત્મિક પ્રવૃત્તિઓ કરે છે તથા તહેવારોનું સંચાલન કરે છે. પુજારીએ તેને ભજનના શબ્દોમાં ફેરફાર કરવા કહેતા ચડભડ થઇ હતી. પોલીસે જણાવ્યું કે, બાદમાં પુજારી અને તેના મિત્રોએ અહમદ ખાનના સંગીતના સાધનો તોડી નાખ્યા હતા અને હત્યા નીપજાવી હતી.
આ કેસની તપાસ કરી રહેલા સીનિયર પોલીસ અધિકારી ગૌરવ યાદવે જણાવ્યું હતું કે, હત્યાના સમાચાર એકબીજાની આસપાસ રહેતા હિંદુ મુસ્લિમ સમાજમાં ફેલાઇ જતા ગામમાં તંગદિલી વ્યાપી હતી. અધિકારીએ ખાનની હત્યા કેવી રીતે થઇ તે જણાવ્યું નહોતું પરંતુ પુજારી રમેશ સુથારની ધરપકડ કરી લેવામાં આવી છે. જોકે, પુજારીના સાથીદારો ત્યાંથી નાસી ગયા છે. સરકારી તંત્રે અહીં અર્ધલશ્કરી દળો મોકલ્યા છે પરંતુ તોફાનો ભડકી જવાના ભયે મુસ્લિમો પોતાના ઘરે પરત ફરવાનો ઇન્કાર કરી રહ્યા છે. ભજન ગાયકની પિતરાઇ બહેન રાખા ખાને જણાવ્યું કે, એક ભૂલને કારણે હિંદુઓએ મારા ભાઇની હત્યા કરી હતી. હવે અમે ફરી આ ગામમાં ક્યારેય રહેવા માગતા નથી. રાખાએ જણાવ્યું હતું કે, તેઓ એક શાળામાં શરણ લઇ રહ્યા છે તથા કેટલાક લોકો સરકારી કચેરીઓમાં છે જ્યારે તેઓ તેમને ભોજન પુરૂ પાડી રહ્યા છે. વડાપ્રધાન મોદીની હિંદુ રાષ્ટ્રીય પાર્ટી દ્વારા કેટલાક રાજ્યોમાં મુસ્લિમોને નિશાન બનાવી કરવામાં આવતા હુમલાઓ વચ્ચે જ રાજસ્થાનમાં આ ઘટના બની છે.