(એજન્સી) બેઈજિંગ, તા.૨૦
ચીને ભારત વિરૂદ્ધનો તેનો પ્રચાર ચાલુ રાખ્યો છે. ચીની સરકારી માલિકીના અખબાર ગ્લોબલ ટાઈમ્સે તેની એક ખબરમાં એવું જણાવ્યું છે કે ભારતમાં ઝડપથી વધી રહેલા હિન્દુ રાષ્ટ્રવાદને કારણે બંને દેશો વચ્ચે યુદ્ધનો ખતરો સર્જાયો છે. ગ્લોબલ ટાઈમ્સે ભારતમાં વધી રહેલા હિન્દુ રાષ્ટ્રવાદ શીર્ષક હેઠળ પ્રસિદ્ધ થયેલા લેખમાં કહ્યું કે હિન્દુ રાષ્ટ્રવાદે વડાપ્રધાન મોદીની ચીન પ્રત્યેની નીતિનું અપહરણ કર્યું અને આ રાષ્ટ્રવાદ બન્ને દેશો વચ્ચે યુદ્ધ કરાવી શકે છે. ભારતમાં વડાપ્રધાન મોદીએ ચૂંટણી પ્રચાર દરમિયાન હિન્દુ રાષ્ટ્ર્‌વાદને એક ઈંધણ તરીકે ઉપયોગ કર્યો. મોદીએ ચૂંટણીમાં દેશમાં રાષ્ટ્રવાદી ભાવનાને હવા આપી. અને આવામાં જો ધાર્મિક રાષ્ટ્રવાદ હદ કરતાં આગળ વધી ગયો તો મોદી કંઈ પણ નહીં કરી શકે. કારણ કે તેઓ ૨૦૧૪માં સત્તા પર આવ્યા બાદ મુસ્લિમોની સામે થનારી હિંસા રોકવામાં નિષ્ફળ રહ્યા છે. ખુદ મોદીએ સત્તામાં આવ્યા પછી હિન્દુ રાષ્ટ્રવાદનો લાભ ઉઠાવ્યો છે. લેખમાં આગળ એવું પણ લખવામાં આવ્યું કે રાષ્ટ્રવાદ ભારતને ચીનની સામે બોર્ડર પર યુદ્ધ તરફ ધકેલી રહ્યો છે. પરંતુ હકીકતમાં ભારત તાકાતના કિસ્સામાં ચીનની ઘણું નબળું છે. તેમ છતાં પણ નવી દિલ્હીના રણનીતિકારો અને નેતાઓએ ભારતની ચીન પરત્વેની નીતિને હિન્દુ રાષ્ટ્રવાદના હાથમાં જતાં ન રોકી. ચીન ભલેને ભારતને સરહદી વિસ્તારમાંથી સેનાને પાછી બોલાવવાની અપીલ કરી હોય પરંતુ નવી દિલ્હીએ તેની ઉત્તેજના ચાલુ રાખી છે. ગ્લોબલ ટાઈમ્સે તેના લેખમાં એવું પણ લખ્યું કે હાલનો વિવાદનું આયોજન કરવામાં આવ્યું હતું અને હિન્દુ રાષ્ટ્રવાદની ભાવનાને ઉત્તેજન આપવાના ઈરાદાથી આ વિવાદને ચગાવવામાં આવ્યો હતો. મોદીએ ૨૦૧૪માં હિન્દુ રાષ્ટ્રવાદને સહારે સત્તા હાંસલ કરી હતી અને હવે તેઓ ચીન અને પાકિસ્તાન વિરૂદ્ધની તેમની આકરી નીતિઓને કારણે તેને વધારે ઉત્તેજન આપી રહ્યાં છે. મોદીની ચૂંટણીએ દેશના રાષ્ટ્રવાદને એક ઈંધણ પૂરુ પાડ્યું હતું. મોદીએ સત્તામાં આવવા માટે ઉદય પામી રહેલા રાષ્ટ્રવાદનો સહારો લીધો હતો.
ડોકલામ ટકરાવ : પૂર્વ ચીની રાજદ્વારીએ કહ્યું, સ્વૈચ્છિક રીતે હટી જાવ, અન્યથા પકડાવા કે હત્યા માટે તૈયાર રહો
(એજન્સી) બેજિંગ, તા. ૨૦
પૂર્વ ચીની રાજદૂત લિ યોફાએ એવું કહ્યું કે વિવાદીત ડોકલામ વિસ્તાર ખાતે તૈનાત ભારતીય સેના પાસે ત્રણ વિકલ્પો છે. પહેલો વિકલ્પ તરીકે ભારતીય સેનાએ સન્માપૂર્વક ખસી જવું જોઈએ, અન્યથા પકડાવા કે હત્યા માટે તૈયાર રહેવું જોઈએ. એક અંગ્રેજી ચેનલ સાથેના ટોક શો દરમિયાન તેમણે કહ્યું કે ભારત અને ચીન વચ્ચેના હાલના ટકરાવને ભલેને સરહદી વિવાદ ગણવામાં આવતો હોય પરંતુ તે એક આક્રમણ છે. તેમણે કહ્યું કે હું આંતરરાષ્ટ્રીય કાયદાને જે પ્રમાણે સમજ્યો છું તેને જોતા જ્યારે કોઈ દેશના લોકો સરહદે બીજી બાજુએ યુનિફોર્મ પહેરીને જતાં હોય છે ત્યારે તેઓ સ્વાભાવિક રીતે જ શત્રુ બની જતાં હોય છે. આ પહેલા ચીન સાથેના ડોકલામ ટકરાવ પર ભારતને એવું જણાવ્યું કે બન્ને દેશો વચ્ચેના મતભેદો વિવાદો ન બનવા જોઈએ. વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગોપાલ બાગલેએ એવું જણાવ્યું કે નવી દિલ્હી ભૂતાન સરકારના લગાતાર સંપર્કમાં છે. તેમણે કહ્યું કે ભારત ઈચ્છે છે આ વિવાદનું શાંતિપૂર્ણ રીતે સમાધાન થાય. આ અગાઉ વિદેશ મંત્રી સુષમા સ્વરાજે આજે સંસદમાં ચીન પર વાત કરતાં એવું કહ્યું કે પહેલા ચીન ડોકલામ વિસ્તારમાંથી તેની સેના હટાવે ત્યાર બાદ ભારત તેનું લશ્કર હટાવવાની વિચારણા કરશે.