(એજન્સી) કોલકાતા,તા.ર૯
હિન્દુ સંહિતા દ્વારા ગુરૂવારે દેશમાં ૭૦ વર્ષોમાં થયેલ કથિત જાતિય ધાર્મિક હિંસાઓની ઘટનાનું ક્રમબદ્ધ વર્ણન કરતું કોમી હિંસાનું કેલેન્ડર પ્રકાશિત કરવામાં આવ્યું હતું.
હિન્દુ સંહિતા સંગઠનના સ્થાપક અને સલાહકાર તપન ઘોષે જણાવ્યું કે, ફેબ્રુઆરી ર૦૦૧થી ડિસે. ર૦૧૬ સુધીમાં સાંપ્રદાયિક હિંસાની પ૭ ઘટના તો માત્ર પશ્ચિમ બંગાળમાં જ બની હતી. તપન ઘોષે દાવો કર્યો કે, વર્ષ ર૦૧૧માં રાજયમાં મમતા બેનરજીની તૃણમુલ કોંગ્રેસ સત્તામાં આવ્યા બાદ મોટી સંખ્યામાં સાંપ્રદાયિક હિંસાના બનાવ બન્યા હતા. ઘોષે જણાવ્યું કે પશ્ચિમ બંગાળમાં ૩૪ વર્ષ સુધી લેફટની સરકાર દરમ્યાન રાજયમાં મોટા પ્રમાણમાં સાંપ્રદાયિક ઘટનાઓ ઘટી હતી. પરંતુ મોટા ભાગની ઘટનાઓ નોંધવામાં આવી નહોતી. ઘોષે જણાવ્યું કે વર્ષ ર૦૧૦માં નોર્થ ર૪, પરગણાના દેગંગા વિસ્તારમાં આવી જ એક મોટી ઘટના બની હતી, ત્યારે રાજયમાં ડાબેરીઓની સરકાર હતી, જો કે તૃણમૂલ કોંગ્રેસની સરકાર આવ્યા પછી પણ રાજયમાં સાંપ્રદાયિક હિંસાની ઘટનાઓમાં ઘટાડો થયો નહોતો.
તપન ઘોષે માંગણી કરી હતી કે રાજય સરકાર કોમવાદમાં સામેલ તમામ દોષિતોની એમની જાતિ, ધર્મ લીંગના ભેદભાવ વિના ધરપકડ કરી એમની સામે કાર્યવાહી કરવામાં આવે. હિન્દુ સંહિતા દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ કેલેન્ડરમાં મોટા ભાગે ધાર્મિક હિંસાના એવા મામલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં હિન્દુ સમુદાયને નિશાન બનાવાયું હોય, આ કેલેન્ડરમાં આ પ્રકારની પ૭ ઘટનાઓ પ્રકાશિત કરવામાં આવી છે.