(એજન્સી) તા.૨૭
બાબરી મસ્જિદ અને અયોધ્યા રામજન્મભૂમિ વિવાદ મામલે ચુકાદો આવી ગયો. જોકે હવે આ મામલે આવેલા ચુકાદાનો કોઈએ મોટાપાયે વિરોધ તો ના કર્યો પરંતુ હવે હિન્દુ સંતો વચ્ચે જ રામમંદિર ટ્રસ્ટ પર કબજો મેળવવા ખેંચતાણ ચાલી રહી છે. તમામ હિન્દુ સંગઠનો રામમંદિર ટ્રસ્ટમાં સામેલ થવા પોત-પોતાનો દાવો ઠોકી રહ્યાં છે. એક ચોક્કસ વર્ગનું કહેવું છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતને રામમંદિર ટ્રસ્ટના વડા બનાવવા જોઈએ કેમ કે હિન્દુ વિચારધારાના મુખ્ય અને સાચા પ્રતિનિધિ છે. જોકે અન્ય લોકો કહે છે કે ટ્રસ્ટની ચેરમેનશીપ તો રામજન્મભૂમિ ન્યાસને જ મળવી જોઈએ. મહંત પરમહંસ રામચંદ્ર દાસ મહારાજે કહ્યું કે આરએસએસના વડા મોહન ભાગવતને રામમંદિર ટ્રસ્ટના ચેરમેન બનાવવા જોઇએ.
મહંત પરમહંસ અયોધ્યામાં તપસ્વીજી કી છાવણીનું નેતૃત્વ કરે છે અને તેના વડા છે. તે કહે છે કે આરએસએસના વડા આ રામમંદિર ટ્રસ્ટના અધ્યક્ષ બનવા માટે એક પરફેક્ટ વ્યક્તિ છે. જોકે રામજન્મભૂમિ ન્યાસ જેવા અનેક સંગઠનો સુપ્રીમકોર્ટનો ચુકાદો આવ્યા બાદથી સત્તા મેળવવા માટે પોતાની તરફ લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માગે છે. ઉલ્લેખનીય છે કે આ મામલે સુપ્રીમકોર્ટે ચુકાદો આપ્યો હતો અને રામલલ્લાને જમીનનો અધિકાર આપી દીધો હતો. મસ્જિદ માટે અલગ ૫ એકર જમીન આપવાનો પણ આદેશ કર્યો હતો.
જોકે મહંતે કહ્યું કે વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓ રામમંદિર ચળવળના નામે કરોડો રૂપિયા ચાંઉ કરી ગયા અને આ કારણે જ તેમને રામમંદિર નિર્માણ ટ્રસ્ટમાં સામેલ ન કરવા જોઈએ. તેમણે કહ્યું કે જો તેમને હવે તેમાં સામેલ કરવામાં આવશે તો ફરીવાર તે હજારો કરોડ રૂપિયા ચાંઉ કરી જશે. પારદર્શકતા લાવવા માટે લોકોએ ટ્રસ્ટનું નેતૃત્વ એવા વ્યક્તિને સોંપવું જોઈએ જે હિન્દુઓમાં એક શ્રેષ્ઠ હોદ્દા પર હોય.