(એજન્સી) નવી દિલ્હી, તા.૮
સુપ્રીમ કોર્ટે આજે અખિલ ભારતીય હિંદુ મહાસભાની અરજી ફગાવી જેમાં એમણે માગણી કરી હતી કે, મુસ્લિમ મહિલાઓને મસ્જિદોમાં પ્રવેશ કરવા પરવાનગી આપવી જોઈએ. સુપ્રીમ કોર્ટના સીજેઆઈએ અરજી રદ્દ કરતા કહ્યું, આ બાબતને મુસ્લિમ મહિલાએ પડકારવી જોઈએ.” સ્પે. લીવ પીટિશન કેરાલા હાઈકોર્ટના ચુકાદા સામે કરાઈ હતી. જેમણે પણ આ અરજી ફગાવી હતી. ૧૧મી ઓકટોબરના રોજ અરજી રદ્દ કરતા હાઈકોર્ટની ડિવિઝન બેંચે અવલોકન કર્યો હતો કે, અરજદારો એ સાબિત કરવામાં નિષ્ફળ ગયા છે કે, કેરાલાની મસ્જિદોમાં મુસ્લિમ મહિલાઓને પ્રવેશવા ઈનકાર કરવામાં આવ્યો હતો. “રીટ અરજીમાં એવી હકીકતો દર્શાવવામાં નથી આવી, જેથી સાબિત થાય કે, મસ્જિદોમાં એ પ્રથા છે, જે હેઠળ મહિલાઓને પ્રવેશ કરવા પરવાનગી નથી અપાતી. મૂળભૂત અધિકારને પડકારતી અરજીમાં જણાવેલ હોવું જોઈએ કે, કઈ રીતે મૂળ અધિકારનો ભંગ કરાયો છે. અરજીમાં એવો કોઈ ઉલ્લેખ નથી, જેથી ફલિત થાય કે, મુસ્લિમ મહિલાઓનો અનુચ્છેદ રપ હેઠળ અપાયેલ મૂળભૂત અધિકાર ભંગ થયો છે, જ્યાં સુધી આ પ્રકારની હકીકત કોર્ટ સમક્ષ પૂરવાર કરવામાં નહીં આવે કે, મુસ્લિમ મહિલાઓને મસ્જિદમાં પ્રવેશ નહીં આપવાની પ્રથા ચાલી રહી છે, ત્યાં સુધી આ કોર્ટ અનુચ્છેદ રર૬ હેઠળ કોઈ પણ તપાસના આદેશ નહીં આપી શકે કે, આ પ્રથા બાબત તપાસ કરો અને આ પ્રથા અનુચ્છેદ ર૧, ૧૪ અથવા રપનું ભંગ છે કે કેમ. અખિલ ભારત હિંદુ મહાસભા, કેરળ એકમના અધ્યક્ષ સ્વામી દત્તાત્રેય સાઈ સ્વરૂપ નાથે અરજી દાખલ કરી હતી. અરજદારે રજૂઆત કરી હતી કે, જે રીતે સુપ્રીમ કોર્ટે ર૮મી સપ્ટેમ્બરે ચુકાદો આપી મહિલાઓને સબરીમાલામાં પ્રવેશ કરવા આદેશ આપ્યો હતો. એ જ રીતે મુસ્લિમ મહિલાઓને પ્રાર્થના કરવા મસ્જિદ પ્રવેશ કરવા પરવાનગી આપવી જોઈએ. મહિલાઓને મસ્જિદમાં પ્રવેશથી વંચિત રાખી એમની સાથે ભેદભાવ કરવામાં આવે છે. અરજદારે એ સાથે મુસ્લિમ મહિલાઓ માટે જે પર્દા પ્રથા છે એને પણ દૂર કરી માગણી કરી હતી. એમણે કહ્યું કે, આના લીધે અસામાજિક તત્ત્વોને ગુનાઓ કરવાની તક મળે છે, જે વ્યક્તિની અંગત સ્વતંત્રતા અને સામાજિક સુરક્ષામાં હસ્તક્ષેપ છે. હાઈકોર્ટ અરજદારના હાજર રહેવાના પ્રયાસોથી પણ પ્રભાવિત થઈ ન હતી. હાઈકોર્ટે કહ્યું, અરજીમાં એવી હકીકત જણાવી નથી કે, અરજદાર એક એવી વ્યક્તિ છે, જે ઈસ્લામિક ધર્મમાં પ્રચલિત પ્રથાઓથી અસર પાતરી રહી છે. ખાસ કરીને મહિલાઓને મસ્જિદ પ્રવેશના ઈનકારથી અરજદારને શું નિસ્બત છે. એમણે પોતાની ઓળખ પણ સંતોષજનક રીતે નથી કરી, જેથી એવું માની શકાય કે, આ પ્રથાઓની સામે પહેલાં પણ એમણે લડતો ચલાવી છે. અમને જણાય છે કે, અરજદારે ફક્ત સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે અરજી દાખલ કરી છે. હાલની અરજીની મીડિયાએ પણ નોંધ લીધી છે અને આજના અખબારમાં આજ પ્રકારની પીઆઈએલ દાખલ થઈ હોવાના સમાચારો છવાયા હતા. જો કે, અમારી પાસે કેસ આવતા પહેલાં અખબારમાં છપાઈ ગયો છે, જેથી સ્પષ્ટ છે કે, પીઆઈએલ દાખલ કરવાનો હેતુ માત્રને માત્ર સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે જ છે.