(એજન્સી) ભોપાલ, તા.૩
મધ્યપ્રદેશમાં ૧૨માં ધોરણમાં ભણાવવામાં આવતા રાજનીતિ શાસ્ત્રના પાઠ્યપુસ્તકમાં ભારતીય જનતા પાર્ટીને હિન્દુત્વ એજેન્ડાવાળી પાર્ટી ગણાવી છે. એટલુ જ નહી પણ આ પાઠ્ય પુસ્તકમાં ગુજરાતમાં ૨૦૦૨માં થયેલી ગોધરાકાંડ વિશે પણ ઉલ્લેખ કરવામાં આવ્યોછે. પાઠ્યપુસ્તકમાં સમાવવામાં આવેલી આ વિગતોથી મધ્યપ્રદેશના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. અસલમાં, ૧૨માં ધોરણના રાજનીતિશાસ્ત્રના પાઠ્યપુસ્તકમાં ‘સ્વતંત્ર ભારતમાં રાજનીતિ’ પ્રકરણમા લખ્યું છે કે, ભારતીય જનતા પાર્ટી હિન્દુત્વ એજેન્ડાવાળી પાર્ટી છે. આ પ્રકરણમાં એમ પણ લખ્યું છે કે, ગોધરાકાંડ પછી ગુજરાતમાં મુસલમાનો વિરૂદ્ધ હિંસા થઈ. ગોધરાકાંડ પછી ગુજરાતમાં એક મહિના સુધી કોમી તોફાનો ચાલ્યા અને આ કોમી તોફાનોમાં ૧૧૦૦ લોકો માર્યા ગયા જેમા મોટાભાગના મુસલમાનો હતા. એટલું જ નહી તે પણ લખ્યું છે કે, ગોધરા હિંસા વખતે તત્કાલીન પીએમ અટલ બિહારી બાજપેયીએ ગુજરાત સરકારને રાજધર્મ નિભાવવાની સલાહ પણ આપી હતી. આ ઘટના પછી માનવાધિકાર આયોગે ગુજરાત સરકારની નિંદા કરી હતી. પુસ્તકમાં લખ્યું છે કે, મોટાભાગની પાર્ટીઓ ભાજપાની હિન્દુત્વ વિચારધારાથી સહેમત નથી. ભાજપાએ અયોધ્યા વિવાદને ચૂંટણીનો મુદ્દો બનાવ્યો.
આ મુદ્દાને લઈને હાલમાં બબાલ મચી ગઈ છે. આ મુદ્દા પર કોંગ્રેસ મીડિયા સેલના ઈન્ચાર્જ માનક અગ્રવાલે કહ્યું કે, એનસીઈઆરટીમાં જે ઈતિહાસ ભણાવવામાં આવે છે તે બધી જ વાતો સાચી લખેલી છે પરંતુ તેમનું કહેવું છે કે, ભાજપને હિન્દુત્વવાદી પાર્ટી બતાવનાર લાઈનને હટાવવી જોઈએ. તેમને કહ્યું કે, કોંગ્રેસ ઈચ્છતી નથી કે, સમાજમાં વૈમનસ્ય ફેલાય તેથી તેઓ અપીલ કરશે કે, આ તથ્યને કોર્સમાંથી હટાવી દેવામાં આવે. જો કે, અત્યાર સુધીમાં આ મામલે બીજેપી તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.