(એજન્સી) ચંદિગઢ, તા. ૧૬
સોમવારે જમ્મુ કાશ્મીરમાં અમરનાથ યાત્રીઓ પર થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં શુક્રવારે હિન્દુ સંગઠન દ્વારા જાહેર કરવામાં આવેલું બંધનું આહવાન શાંતિપૂર્ણ રીતે પુર્ણ થયું હતું. ‘બંધનું આહવાન’ સામાન્ય દિવસની જેમ પસાર થયું. મીડિયામાં આવેલી ખબરો અનુસાર, કેટલાક સ્થળોએ લોકોએ તો માંડ એકથી બે કલાક સુધી તેમના ધંધો બંધ રાખ્યો હતો અને સરવાળે આ બંધ નિષ્ફળ સાબિત થયો. આ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના બનવા પામી નથી. ખબર અનુસાર, કેટલાક સ્થળોએ હિન્દુ ટોળાએ પાકિસ્તાન અને આતંકવાદ વિરોધી નારેબાજી કરી હતી અને કહ્યું કે શિવસેના સહિત વિવિધ હિન્દુવાદી સંગઠનો દ્વારા આ બંધ બોલાવવામાં આવ્યું હતું. ફાગવારા શહેરમાં બંધની નોંધપાત્ર અસર જોવા મળી હતી મોટાભાગની દુકાનો બંધ રહેવા પામી હતી અને માર્ગ સુમસામ લાગતા હતા. વાહનોની અવરજવર નહિવત હતી. લોકોએ શહેરમાં રેલી પણ કાઢી હતી. શાંતિની જાળવણી માટે શહેરમાં ભારે માત્રામાં પોલીસ બળ તૈનાત કરવામાં આવ્યું હતું. સલામતીના પગલાં રૂપે સત્તાવાળાઓએ બસોને અન્ય માર્ગ વાળી દીધી હતી. ઓદ્યોગિક શહેર એવા લુધિયાણામાં પણ બંધની નહિવત અસર જોવા મળી હતી. વિવિધ હિન્દુવાદી સંગઠનોના કાર્યકરો દ્વારા શહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું અને લુધિયાણામા પાકિસ્તાનની વિરૂદ્ધમાં નારેબાજી કરવામાં આવી. મોગા શહેર આંશિત રીતે બંધ રહેવા પામ્યું તમામ દુકાનો, બેન્કો અને શૈક્ષણિક સંસ્થાનોને બંધ રાખવામાં આવ્યાં હતા. મોગામાં સરકારી સંસ્થાનો ખાતે ભારે માત્રામાં પોલીસ બળ તૈનાત કરવામાં આવ્યું. બીજી બાજુ પઠાણકોટ પણ શાંત રહ્યું હતું. શહેરની મોટાભાગની દુકાનો ચાલુ રહી હતી. જોકે પોસ્ટ ઓફિસ ચોકમાં શિવસેનાના કાર્યકરો એકત્ર થયાં હતા અને પાક.વિરોધી નારેબાજી કરી. બટાલા ખાતે તો સંપૂર્ણપણે બંધને પાળવામાં આવ્યો.