(એજન્સી) ગુરગાંવ, તા. ૧૦
ગુરગાંવમાં જુમ્માની નમાઝનો વિવાદ હજુ પણ શમ્યો નથી. ગયા અઠવાડિયે જુમ્માની નમાઝ અટકાવવાની ઘટના બાદ તંત્રે મુસ્લિમ સમુદાય પાસેથી એવા સ્થળોની યાદી માગી છે જ્યાં તેમને નમાઝ પઢવાની હોય. હિંદુવાદી સંગઠનોએ માગ કરી છે કે, મુસ્લિમોને ફક્ત પાંચ સ્થળોએ જ ખુલ્લી જગ્યામાં નમાઝ પઢવાની પરવાનગી આપવામાં આવે અને તેમાંથી કોઇ પણ સ્થાન કોઇ મંદિરના બે કિલોમીટર નજીક ન હોવા જોઇએ. અહેવાલો અનુસાર ગુરગાંવના ડેપ્યુટી કમિશનરે મુસ્લિમ સમુદાયના લોકોને એવી જગ્યાઓની યાદી આપવા કહ્યું છે જ્યાં જુમ્માની નમાઝ અદા કરાતી હોય. એવું માનવામાં આવે છે કે, આ યાદી આવતીકાલે થનારી જુમ્માની નમાઝ દરમિયાન સુરક્ષા આપવા માટેના ઇરાદાથી માગવામાં આવી હોય કેમ કે, જાહેરમાં નમાઝ પઢનારા મુસ્લિમોની હિંદુવાદી તત્વોએ ગયા શુક્રવારે ઘણી કનડગત કરી હતી.
ઘણા સંગઠનો સંયુક્ત હિંદુ સંઘર્ષ સમિતિના બેનર તળે જાહેરમા નમાઝનો વિરોધ કરી રહ્યા છે. આમાં વિશ્વહિંદુ પરિષદ, બજરંગ દળ, હિંદુ ક્રાંતિ દળ, ગૌરક્ષ દળ અને શિવસેનાના સભ્યો સામેલ છે. હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર પણ આ મામલે હિંદુવાદી તત્વો સાથે ઉભેલા દેખાય છે. તેમણે તાજેતરમાં જ નિવેદન આપ્યું હતું કે, મસ્જિદો, ઇદગાહો અને ખાનગી સ્થળો પર જ નમાઝ અદા કરવામાં આવે સાથે જ ખટ્ટરે એમ પણ કહ્યું હતું કે, સરકાર નક્કી કરશે કે કાયદો વ્યવસ્થા જળવાઇ રહે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે અઠવાડિયા દરમિયાન હિંદુવાદી ગુંડાઓ દ્વારા જુમ્માની નમાઝમાં ખલેલ પહોંચાડવામાં આવી રહી છે અને તેઓ આરોપ લગાવે છે કે, આ લોકો જમીન પચાવી પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે, છેલ્લા બે સપ્તાહમાં વઝીરાબાદ, અતુલ કટારિયા ચોક, સાઇબર પાર્ક, બખ્તાવર ચોક અને સાઉથ સિટી વિસ્તારમા નમાઝ પઢવાથી રોકવામાં આવ્યા હતા. હવે વિરોધ કરી રહેલા હિંદુવાદી ગુંડાઓએ મંદિરના બે કિલોમીટરના દાયરામાં નમાઝ નહીં પઢવા દેવાની માગ કરી છે.