(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.રપ
પદ્માવત ફિલ્મ કોઈપણ ભોગે રિલીઝ નહીં કરવા દેવાની કરણીસેનાની ધમકી છતાં ચાર રાજયો સિવાય સમગ્ર ભારતમાં પદ્માવત રિલીઝ થઈ ચુકી છે અને લોકોએ ફિલ્મને મુકતકંઠે વખાણી છે ત્યારે ફિલ્મના વિરોધમાં વિવિધ રાજપૂત સંગઠનો દ્વારા અપાયેલા ભારત બંધના એલાન સંદર્ભે ગુજરાતમાં બંધની સાવ નહિવત અસર જોવા મળી હતી. હિંસક તોફાનો થવાની દહેશત અને હાઈવે પર ચક્કાજામ કરાતા હોવાની ઘટનાઓને લીધે સરકારી અને ખાનગી વાહનોએ હાઈવે પર જવાનું ટાળ્યું હતું. બંધની અસર જોવા ન મળતાં બપોર બાદ પરાણે બજારો બંધ કરાવાતા લોકોને દુકાનો બંધ કરવાની ફરજ પડી હતી.
અમદાવાદમાં મંગળવારની રાત્રે પદ્માવત ફિલ્મના વિરોધમાં કરણીસેનાએ મલ્ટીપ્લેકસ અને મોલમાં ભારે તોડફોડ કરી આગચંપી કરતા થિયેટર માલિકો ભયભીત થઈ ગયા હતા. પરિણામે આજે ભયના માર્યા મોલ અને મલ્ટીપ્લેકસ સંચાલકોએ બંધના એલાનને ટેકો આપતા બોર્ડ લગાવી બંધ પાળ્યો હતો જયારે બજારો, શાળા, કોલેજો અને અન્ય વાહન વ્યવહાર યથાવત જોવા મળ્યો હતો. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, છોટાઉદેપુર, કચ્છ, મોરબી, અમરેલી, કચ્છ સહિતના શહેર અને જિલ્લામાં બંધની મીશ્ર અસર જોવા મળી હતી. કયાંક દહેશતના લીધે દુકાનો બજારો બંધ રહ્યા હતા તો જયાં ખુલ્લા હતા. ત્યાં પરાણે બંધ કરવાની ફરજ પડાઈ હતી. તો કયાંક કરણીસેનાના કાર્યકરો થિયેટર મોલ કે દુકાન બહાર ફુલ આપી બંધ કરાવવા વિનંતી કરતા પણ જોવા મળ્યા હતા.
અમદાવાદ અને ગાંધીનગરમાં શાળા કોલેજો ચાલુ રહી હતી. પરંતુ વકીલો કામકાજથી અળગા રહ્યા હતા. ધોળકા, તાલુકામાં બંધની થોડી ઘણી અસર જોવા મળી હતી. વડોદરા શહેર જિલ્લામાં બંધ જેવું જણાતું ન હતું. પરંતુ હાઈવે પર ચક્કાજામ કરી ટાયરો સળગાવી રસ્તો બંધ કરી દેવાતા વાહન વ્યવહારને માઠી અસર પહોંચી હતી. ખાસ કરીને નેશનલ હાઈવે પર વાહનોની લાંબી કતાર લાગી હતી. હાલોલ-વડોદરા હાઈવે પર રાજપૂત યુવાનોએ ટાયરો સળગાવી રસ્તો રોકી દેતા ચાર કિ.મી. સુધી ટ્રાફિકજામ થઈ ગયો હતો. રાજકોટમાં કરણીસેનાએ ગાંધીગીરી અપનાવી વિવિધ સ્થળોએ વેપારીઓને ગુલાબના ફુલ આપી બંધ રાખવા વિનંતી કરી હતી. તો મોરબીમાં કરણીસેનાના આગેવાનો બાઈક રેલી કાઢી બંધ કરાવવા નીકળતા વેપારીઓએ દુકાનો બંધ રાખી હતી. અમરેલીમાં રાજપૂત યુવાનોએ પદ્માવતના વિરોધમાં દેખાવો કરી રાજુલા હાઈવે અને જાલાલ ગામના લોકોએ સ્ટેટ હાઈવે ચક્કાજામ કરી બંધ કરાવ્યો હતો. જયારે ખાંભાના વેપારીઓએ બંધને ટેકો જાહેર કરી બંધ પાળ્યો હતો. કચ્છ જિલ્લામાં બંધની અસર જોવા મળી હતી. વેપારીઓએ બંધને ટેકો જાહેર કર્યો હોવાથી ભૂજના તમામ વેપારીઓ બંધમાં જોડાતા ભૂજ સજ્જડ બંધ રહ્યું હતું. જામનગરમાં પણ પદ્માવત ફિલ્મનો વિરોધ કરનારાઓ દ્વારા દુકાનો બંધ કરાવવાનો પ્રયાસ થયો છે. શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં યુવાનો પહોંચ્યા હતા અને દુકાનો બંધ કરાવવાનો પ્રયાસ કર્યો હતો. અરવલ્લી જિલ્લામાં વેપારીઓ દ્વારા સ્વયંભૂ સજ્જડ બંધ પાળવામાં આવ્યો હતો. જિલ્લાના મોડાસા, માલપુર, શામળાજી, ધનસુરા, સાઠંબા વગેરે સજ્જડ બંધ રહ્યા હતા. બાયડમાં બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. જિલ્લામાં બંધને ૫ગલે એસટી બસ સેવાને અસર ૫ડી હતી. શાળાઓમાં બાળકોની નહીંવત હાજરી રહી હતી. ભારત બંધને ઉત્તર ગુજરાતમાં સારો પ્રતિસાદ જોવા મળ્યો છે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં બંધની અસર જોવા મળી છે. પાલનપુરના બજારોમાં પદ્માવતનો વિરોધ કરનારાઓ દ્વારા દુકાનો બંધ કરાવાતી હોવાના અહેવાલ બાદ પોલીસ દોડતી થઈ છે. રાધનપુર એસટી ડેપોથી ઉપડતી તમામ બસોના રૂટ બંધ રાખવામાં આવ્યા છે. સુરક્ષા અને સલામતીને લઈને તમામ બસોને ડેપોમાં રોકી દેવાઈ છે. જેને કારણે મુસાફરો હાલાકીમાં મુકાયા છે. ધાનેરામાં પણ જડબેસલાક બંધ જોવા મળ્યો. યાત્રાધામ અંબાજીમાં પણ બંધની અસર જોવા મળી. અંબાજીમાં વેપારીઓએ સજ્જડ બંધ પાળ્યો છે. સાબરકાંઠાના હિંમતનગર અને ઈડરમાં સજ્જડ બંધ જોવા મળી રહ્યો છે. ઈડર અને હિંમતનગરમાં બજાર બંધને લઈ શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે. ઈડરના બજારો બંધ છે તો રસ્તા પર પણ લોકોની અવર-જવર ઓછી જોવા મળી રહી છે તો ખેડબ્રહ્મા, પ્રાંતિજ અને તલોદમાં બંધને મિશ્ર પ્રતિસાદ જોવા મળે છે. મહેસાણા એસટી ડેપોએ એસટી સેવા બંધ રાખી છે. મહેસાણા જિલ્લાના ૧૧ ડેપોમાં એસટી સેવા બંધ છે. જેથી મુસાફરોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે તો ક્યાંક આંશિક અસર દેખાઈ રહી છે. મહેસાણામાં મોટાભાગના વિસ્તારોમાં બજારો રાબેતા મુજબ ખુલ્લા છે તો વાહનવ્યવહાર પણ રાબેતા મુજબ છે. જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં સજ્જડ બંધ પળાયો છે. અહીંની બજારો અને દુકાનો બંધ રહી હતી. પદ્માવત ફિલ્મના વિરોધમાં રાજપૂત સમાજે રેલી કાઢી આવેદનપત્ર આપ્યું હતું અને ફિલ્મમાં ઈતિહાસ સાથે થયેલા ચેડાંને વખોડી કાઢ્યો હતો. ગાંધીનગરમાં પદ્માવતના વિરોધમાં ઘ-૫ સર્કલ પાસે ચક્કાજામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પરંતુ સેક્ટર-૨૧ની પોલીસને તેની જાણ થતાં પોલીસ ધસી આવી હતી. પોલીસને જોતા જ આ શખ્સો પોતાની બાઈક મૂકી નાસી છૂટ્યા હતા. જો કે, પોલીસે આ શખ્સોના વાહનો જપ્ત કર્યા હતા. ત્યારબાદ પોલીસે આઠ લોકોની અટકાયત કરી હતી અને તેમની સામે કાર્યવાહી હાથ ધરી હતી.