જામનગર, તા.રર
જામનગરના શર સેકશન રોડ પર ગઈકાલે સાંજે રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા પર પોલીસ તંત્રમાં ફરજ બજાવતા પો.કો. સંજય ખીમા કરંગિયાએ જે રીતે હુમલો કર્યો તે બનાવે સમાજમાં ઘેરા પડઘા પાડયા છે. સામાન્ય પ્રજાની સુરક્ષા માટે જેની રચના કરવામાં આવી છે તે પોલીસ તંત્રના જ એક કર્મચારીએ પોતાની પ્રાથમિક ફરજ અને એક સ્ત્રી સાથે દાખવવાના થતા દાક્ષિણ્યને પણ કોરાણે મૂકી રીવાબાને ભૂંડી ગાળો આપી, વાળ પકડી, ફડાકા મારી પોલીસની ખાખી વર્દીને જાહેરમાં કલંકીત બનાવી હતી.
પોલીસ પ્રત્યેનો રોષ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે ત્યારે જ પોલીસકર્મી, અધિકારીઓએ પોતે પ્રજાના મિત્ર છે તેવી છાપ ઉજ્જવળ બને તેવા પ્રયાસો કરવા જોઈએ તેના બદલે ગઈકાલનો બનેલો આ બનાવ પોલીસને પ્રજાથી વધુ દૂર લઈ જાય તેવું ચિત્ર સ્પષ્ટ બન્યું છે.
વધુમાં ચર્ચાતી વિગતો મુજબ રીવાબા આટલા પ્રતિષ્ઠિત વ્યક્તિ છે ત્યારે તેઓની સાથે થયેલા દુર્વ્યવહારની આટલી ઝડપી અસર આવી છે. જો આ જ જગ્યાએ કોઈ સામાન્ય નાગરિક કે કોઈ અન્ય મહિલા હોય તો શું પોલીસ આટલી ત્વરાએ ફરિયાદ નોંધવાથી માંડીને કાર્યવાહી કરત કે કેમ? તેવો પ્રશ્ન ઉઠવા પામ્યો છે. હાલમાં જ્યારે જામનગરના જિલ્લા પોલીસવડા તરીકે પી.બી. સેજુળ જેવા સંનિષ્ઠ અધિકારી ફરજ બજાવી રહ્યા છે ત્યારે તેઓએ પોલીસની દિન-પ્રતિદિન વધુને વધુ ખરડાતી જતી છાપને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ અને પોલીસબેડાએ પણ પ્રજાને તેઓ ખરેખર મિત્ર છે તેવો અહેસાસ આપતું વર્તન કરવું જોઈએ.