ભાવનગર,તા.૧૯
ભાવનગર શહેરમાં સવારે હિરાનાં કારખાનેદારને ત્રણ બુકાનીધારી શખ્સોએ છરી બતાવી, રીવોલ્વર તાકી રૂા. પ લાખના હિરા તથા રૂા. ૩૦ હજાર રોકડ સહિત રૂા. પ.૩૦ લાખની લૂંટ ચલાવી નાસી છૂટતાં પોલીસતંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.
લૂંટના આ બનાવની વિગતો એવી છે કે, શહેરના તળાજા રોડ કામીનિયા નગર પાસે રાધાકૃષ્ણ કોમ્પલેક્ષના ત્રીજા માળે ઓફિસ નં. ૧૪માં હિરાનું કારખાનું ધરાવતાં અશોકભાઈ પ્રેમજીભાઈ જાસોલિયા તરસમિયાવાળા આજે સવારે ૭ વાગે ઓફિસ ખોલી ભગવાનને અગરબત્તી-ધૂપ કરતાં હતા ત્યારે ત્રણ બુકાનીધારી શખ્સો ઘૂસી આવ્યા હતા. અને એક શખ્સે કારનાનો દરવાજો બંધ કરી અન્ય બે શખ્સોમાં એક શખ્સ છરી અને એક શખ્સ રીવોલ્વર બતાવી અશોકભાઈ પાસેથી તિજોરીની ચાવી માંગી તિજોરીમાંથી ૩૩ કેરેટ તૈયાર હિરા અને ૧૧૦ કેરેટ કાચા હિરા મળી કુલ રૂા. પ લાખના હિરા તથા રોકડા રૂા. ૩૦ હજાર મળી કુલ રૂા. પ.૩૦ લાખની મતાની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા.
આ બનાવની પોલીસને જાણ કરતાં જ એસ.પી. માલ, સિટી ડી.વાય.એસ.પી. મનીષ ઠાકર, એલ.સી.બી., એસ.ઓ.જી. પોલીસ, ભરતનગર પોલીસ સ્ટેશનનાં પી.આઈ. જે.એમ. ચાવડા તથા સ્ટાફ, ડોગ સ્ક્વોડ વગેરે કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.
વહેલી સવારે લૂંટના આ બનાવથી સ્થાનિક વિસ્તારનાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આ બનાવ અંગે હિરાનાં કારખાનેદાર અશોકભાઈ જાસોલિયાએ ભરતનગર પોલીસ સ્ટેશનમાં ત્રણ અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ ગુનો નોંધી વધુ તપાસ પી.આઈ. જે.એમ. ચાવડા ચલાવી રહ્યા છે.