અમદાવાદ,તા. ૨
શહેરના દાણીલીમડા વિસ્તારમાં ચંડોળા તળાવ પાસે રહેતા ત્રણ મિત્રના કણભા-કુંજાડ રોડ પર કુંજાડ ગામ નજીક હિટ એન્ડ રનના એક અકસ્માતમાં કરૂણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. બીજીબાજુ, ઘટનાની જાણ થતાં અને એકસાથે ત્રણ મિત્રો મોતને ભેટયાના સમાચારને પગલે દાણીલીમડા વિસ્તારમાં જાણે શોકનો માહોલ સર્જાયો હતો. પોલીસે આ બનાવ અંગે જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને યુવકોના બાઇકને ટક્કર મારી ફરાર થઇ ગયેલા અજાણ્યા વાહનાલકની તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના દાણીલીમડા વિસ્તારના ચંડોળા તળાવ પાસે આવેલા નવાબનગરમાં રહેતા મુસ્તુફા શેખ (ઉં.વ.રર)ના મિત્ર ગુફરાન, એઝાઝ અને અલી હસન(ત્રણેય રહે.ચંડોળા તળાવ પાસે, નવાબનગર, દાણીલીમડા) ગઇકાલે વહેલી સવારે મુસ્તુફાના ઘરે આવ્યા હતા. એક કામથી તેઓને બહિયલ ગામે જવું હોઇ મુસ્તુફા પાસે તેનું પલ્સર બાઇક માગ્યું હતું. વહેલી સવારે પ-૦૦ વાગ્યે ત્રણેય મિત્રો ગુફરાન એઝાઝ, અલી હસન અને એજાઝ અન્સારી બાઇક લઇને બહિયલ ગામે જવા નીકળ્યા હતા. દરમ્યાન કણભા-કુંજાડ રોડ પર કુંજાડ ગામ નજીક કોઇ અજાણ્યા વાહનચાલકે તેમના પલ્સર બાઇકને જોરદાર રીતે ટક્કર મારી હતી. ટક્કર વાગતાં ત્રણેય મિત્રો બાઇક પરથી જમીન પર પટકાયા હતા અને જોરદાર રીતે ઘસડાયા હતા. આ બનાવમાં ત્રણેય યુવક મિત્રોને ગંભીર ઇજાઓ પહોંચતાં તેઓનાં ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતાં. આ અંગે કોઇ વ્યકિતએ મુસ્તુફાને ફોન કરી જાણ કરતાં તેઓ કુંજાડ ગામે દોડી ગયા હતા. કોઇ અજાણ્યા વાહનચાલકે પલ્સર બાઇકને ટક્કર મારી અકસ્માત કરી અલીહસન ફકીર (ઉં.વ.૩૦), ગુફરાન વાઘેલા (ઉં.વ.૧૯) અને એઝાઝ અન્સારી (ઉં.વ.ર૧)નું ઘટના સ્થળે મોત નીપજાવી ફરાર થઇ ગયો હોવા અંગે મુસ્તુફાએ કણભા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે જરૂરી ગુનો નોંધી અજાણ્યા વાહનચાલકની તપાસ શરૂ કરી છે. બીજી બાજુ આ બનાવને પગલે અને એક સાથે ત્રણ મિત્રોના મોતના સમાચારને લઇ સમગ્ર દાણીલીમડા વિસ્તારમાં ભારે અરેરાટી અને શોકની લાગણી છવાઇ ગઇ હતી.