(સંવાદદાતા દ્વારા) મોડાસા, તા.૨૮
અરવલ્લી જીલ્લામાં રવિવારે ગરમીએ ૧૦ વર્ષનો રેકોર્ડ તોડી ૧૦ વર્ષનું ઉંચુ તાપમાન ૪૬.૫ ડિગ્રી નોંધાયું હતું આકાશમાં થી રીતસરના અગન ગોળા વરસતા હોય તેવો પ્રજાજનોએ અહેસાસ અનુભવ્યો હતો જીલ્લામાં પડેલ રેકોર્ડ તોડ ગરમીએ માલપુરના એક વ્યક્તિનો ભોગ લેતા હિટ સ્ટ્રોક થી મોત નિપજતા જીલ્લાના પ્રજાજનો રીતસરના ફફડી ઉઠ્યા હતા. આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર,રવિવારે બપોર ૨ વાગ્યા સુધી તાપમાનનો પારો ૪૫ ડિગ્રી નોંધાયા બાદ અચાનક ૩ વાગ્યાના સુમારે તાપમાનનો પારો ૪૬.૫ ડિગ્રીએ પહોંચતા લોકો રીતસરના શેકાયા હતા રેકોર્ડ બ્રેક ગરમીએ માલપુરના મહિન્દ્ર ભાઈ ભાટિયા નામના યુવકનો ભોગ લીધો હતો અસહ્ય ગરમીના પગલે લૂ લાગવાથી બેભાન બનેલ યુવકને પરિવારજનોએ તાબડતોડ મોડાસા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાતા ખાનગી હોસ્પિટલ ના તબીબે મૃત જાહેર કરતા અને યુવકનું મોત હિટ સ્ટ્રોક થી થયું હોવાનું અનુમાન લગાવ્યું હતું અને ડિહાઈડ્રેશનના કારણે યુવાન મોત નિપજતા પરિવારજનો અને સગા-સંબંધીઓમાં શોકની લાગણી છવાઈ હતી. અરવલ્લી જીલ્લામાં ચાલુ સાલે ઉનાળાની સીઝનમાં હિટ સ્ટ્રોક ના લીધે ૨ વ્યક્તિઓના મોત નિપજતા પ્રજાજનોમાં ભારે ફફડાટ ફેલાયો હતો અને ગરમીમાં લોકો સાવચેતી દાખવી રહ્યા છે.