(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.ર૧
ભારતીય ચૂંટણી પંચના નિયમ મુજબ કોઈપણ મતદાર (નાગરિક) એક કરતાં વધુ વાર મતદારયાદીમાં નોધાયેલો હોય કે મતદાર કાર્ડ ધરાવતો હોય તો તે ગંભીર ગુનો ગણાય છે. ત્યારે શાસક ભાજપ સરકારના જ એક ધારાસભ્ય આ રીતે બે-બે સ્થળે મતદાર યાદીમાં નોંધાયેલ છે અને બે ઈલેકશન કાર્ડ પણ ધરાવતા હોવાની વિગતો બહાર આવતા વિવાદ ઊભો થવા પામ્યો છે. સજાપાત્ર આવા ગંભીર ગુનામાં ધારાસભ્યનું નામ બહાર આવતા આશ્ચર્ય સાથે ચર્ચા થઈ છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે ચૂંટણી પંચ કોઈ કાર્યવાહી કરે છે કે કેમ ?
ચૂંટણીઓમાં ઉમેદવારી નોંધાવવા ઉમેદવારોએ સોંગંદનામું કરવું પડે છે. આ સોગંધનામામાં પોતાની આવકની વિગતો સહિતની પ્રાથમિક માહિતી રજૂ કરવી આવશ્યક હોય છે. જો કે દર ચૂંટણીમાં તમામ પક્ષના અમુક ઉમેદવારો પોતાના સોગંદનામામાં ખોટી માહિતી પૂરી પાડે છે.
ઈડરના ભાજપના ધારાસભ્ય અને ગુજરાતી ફિલ્મોના અભિનેતા હિતુ કનોડીયા પાસે બે અલગ-અલગ મતદાર કાર્ડ છે. હિતુ કનોડિયા ઉત્તર ગુજરાતના ઈડર-વડાલી બેઠક પરથી વર્ષ ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં વિજયી થયા હતા.
ભાજપના ધારાસભ્ય હિતુ કનોડિયા બે ચૂંટણી કાર્ડ ધરાવતા હોવાના સમાચાર કથિત રીતે સામે આવી રહ્યાં છે. હિતુ કનોડિયાનું અસારવા વિધાનસભા બેઠક પર અને મહારાષ્ટ્રમાં પણ મતદાન યાદીમાં નામ બહાર આવ્યું છે. તેમની પાસે મુંબઈ સરનામું ધરાવતું ચૂંટણી કાર્ડ પણ છે અને ગુજરાતનું ચૂંટણી કાર્ડ હોવાનું કથિત રીતે બહાર આવી રહ્યું છે. આ ઉપરાંત હિતુ કનોડિયાએ ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચમાં સોગંદનામું પણ રજૂ કર્યુ હતું.
ચૂંટણી પંચના નિયમ મુજબ, કોઈ પણ નાગરિક બે અલગ-અલગ સ્થળના મતદાર કાર્ડ ના ધરાવતા હોવા જોઈએ. જો કોઈ નાગરિક આમ કરે, તો તે ગંભીર ગુનો ગણવામાં આવે છે. ચૂંટણી પંચના સેક્સન ૩૧ અંતર્ગત બે અલગ-અલગ સ્થળના મતદાર કાર્ડ રાખ્યા હોય, તો તે વ્યકિત સજા પાત્ર છે. આવા વ્યક્તિ વિરુદ્ધ ચૂંટણી પંચ પગલા લઈ શકે છે અને તેમાં ૧ વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ પણ છે.