(સંવાદદાતા દ્વારાર સુરત,તા.૨૭
કામરેજ તાલુકામાં એક એચઆઈવી ગ્રસ્ત પરિણીતાએ વાંદા મારવાની અને એચઆઈવીની દવાની ૧૫ જેટલી ગોળી ખાઈ આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે.
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકા ખાતે રહેતી પરિણીતાએ ઘરની સામે જ રહેતા યુવક સાથે આંખ મળી આવતા ૧૦ મહિના પહેલા ઘરેથી નાસી પ્રેમ લગ્ન કર્યા હતા. દરમિયાન પરિણીતા બિમાર પડી ગઈ હતી. જેમાં તપાસ કરતા તેને એચઆઈવી પોઝિટીવ હોવાની જાણ થઈ હતી. ત્યારબાદ સાસરીયાઓ દ્વારા ત્રાસ આપવાનું ચાલું કરવામાં આવ્યું હતું. તને એચઆઈવી છે, તું મારી સાથે રહેતો મને પણ એચઆઈવી થઈ જાય તેવું સસરા દ્વારા કહેવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. પરિણીતાએ વધુમાં જણાવ્યું હતું કે, પતિએ પણ કહ્યું હતું કે, મારા માતા-પિતા જેમ કહે તેમ જ થશે પછી આપણે અલગ થઈ જશું. જેથી પરિણીતા સાત દિવસ પહેલાં પિયરમાં આવી ગઈ હતી. જોકે, તે માનસિક તણાવ અનુભવતી હતી. દરમિયાન આજે વાંદા મારવાની અને એચઆઈવીની દવાની ૧૫ જેટલી ગોળી ખાઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરિણીતાને તાત્કાલિક કામરેજની હોસ્પિટલ બાદ સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. સુરત સિવિલ હોસ્પિટલમાં પરિણીતાએ પ્રેમ લગ્ન બાદ એચઆઈવી હોવાના કારણે પતિએ સાથ ન આપ્યો હોવાની વ્યથા વર્ણવી હતી.