અમદાવાદ, તા.૧૧
દેશમાં દર વર્ષે નવા ૭પ હજારથી વધુ દર્દીઓ અને ગુજરાતમાં ૧૦,પ૮૯ એચઆઈવીના દર્દીઓ ઉમેરાય છે. ત્યારે યુબીઆરએએફના પાયલટ પ્રોજેકટ થકી ગુજરાતને એચઆઈવી મુક્ત બનાવવાનો નિર્ધાર ગુજરાત સરકારે કર્યો છે ત્યારે ગાંધીનગર ખાતેથી આ પ્રોજેકટનો રાજ્યવ્યાપી પ્રારંભ નાયબ મુખ્યમંત્રીએ કરાવ્યો હતો. યુએન એઈડ્‌સ અને ગુજરાત સ્ટેટ એઈડ્‌સ કંટ્રોલ સોસાયટી દ્વારા એચ.આઈ.વી./એઈડ્‌સ નિયંત્રણને સુદ્રઢ કરવા માટે પાયલટ પ્રોજેકટ યુબીઆરએએફનો ગાંધીનગર ખાતેથી રાજ્યવ્યાપી શુભારંભ કરાવતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઉમેર્યું હતું કે, માનવજાતિ અનેક રોગો સામે લડી રહી છે. સમગ્ર વિશ્વમાં માનવજાતિના સારા સ્વાસ્થ્ય માટે અનેક કાર્યક્રમો અમલમાં છે. જેમ આપણે સમગ્ર દેશમાં પોલિયો વિરોધી ઝુંબેશ ચલાવી પોલિયો મુક્ત દેશ બનાવ્યો છે. કોઈપણ રોગ સામેની ઝુંબેશમાં લોકોને તે રોગ માટેની સાચી માહિતી મળી રહે તે માટે લોક જાગૃતિના કાર્યક્રમ પણ મહત્ત્વની ભૂમિકા અદા કરે છે. આજે લોક જાગૃતિના કારણે એચઆઈવી રોગના દર્દીઓ સાથે પહેલાં જેવો વ્યવહાર થતો નથી તેની દૃષ્ટાંતપૂર્વક વાત કરી હતી. આ પ્રોજેકટ થકી ગુજરાતને એચ.આઈ.વી. મુક્ત બનાવી શકીશું તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ પુનમચંદ પરમારે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ હોવાથી ટ્રાન્સપોર્ટેશનનો વ્યવસાય અને અન્ય રાજ્યમાંથી મોટી સંખ્યામાં લોકો રોજગારી અર્થે ગુજરાતમાં આવે છે. જેથી ગુજરાતમાં એક લાખથી વધુ લોકો એચઆઈવી સંભવિત દર્દીઓ હોવાનું માલૂમ પડ્યું છે. હવે, આ રોગનો સામનો કરી શકે તેવી દવા ઉપલબ્ધ હોવાથી આ રોગના દર્દીઓ લાંબુ જીવતા થયા છે. એચઆઈવી છે કે નહીં તેનો ટેસ્ટ રાજ્યમાં માત્ર ચાર રૂપિયાના ખર્ચે થઈ શકે છે તેની વિસ્તૃત સમજ પણ તેમણે આપી હતી. આરોગ્ય કમિશનર જયંતિ રવિએ એચ.આઈ.વી. રોગની આંકડાકીય વિગત આપતાં જણાવ્યું હતું કે વર્ષ-ર૦૧પના સર્વે અનુસાર ગુજરાતમાં એચઆઈવી રોગ ધરાવતા ૧ લાખ ૬૬ હજાર દર્દીઓ છે. જ્યારે સમગ્ર દેશમાં ર૧ લાખથી વધુ લોકો આ રોગનો ભોગ બન્યા છે. દર વર્ષે દેશમાં નવા ૭પ હજારથી વધુ દર્દીઓ અને ગુજરાતમાં ૧૦,પ૮૯ એચઆઈવીના દર્દીઓ ઉમેરાય છે. આ રોગના નિર્મૂલન માટેનો આ પ્રોજેકટ આશીર્વાદરૂપ નિવડશે. રાજ્યમાં આ પ્રોજેકટ બે વર્ષ સુધી ચાલશે અને પૂર્ણ થયા બાદ આ ગુજરાત મોડેલને દેશભરમાં લાગુ કરવામાં આવશે.