(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૨૧
વડોદરા જિલ્લાનાં પાદરા તાલુકાના સાદરા ગામની મહિલા સરપંચને બે થી વધુ સંતાન હોવાથી તાત્કાલીક અસરથી સરપંચનાં હોદ્દા પરથી દુર કરવાનો હુકમ તાલુકા વિકાસ અધિકારીએ કરતાં તાલુકામાં ચકચાર મચી ગઇ છે. મહિલા સરપંચને હોદ્દા પરથી દુર કરવામાં આવતા તેમના સ્થાને ગ્રામ પંચાયતના સરપંચનો હવાલો ડે.સરપંચને સોંપવામાં આવ્યો છે.પાદરાનાં સાદરા ગામ પંચાયતની ફેબ્રુઆરી,૨૦૧૮માં યોજાયેલી ચુંટણી બાદ સરપંચ પદે તલ્લીકાબહેન ભરતભાઇ ગોહિલ ચુંટાઇ આવ્યા હતા. નવા પંચાયત ધારા મુજબ વર્ષ ૨૦૦૫ બાદ સરપંચ પદે ચુંટાયેલા તલ્લીકાબેન ગોહિલને બે થી વધુ સંતાન હોવાથી ગામનાં રણજીતસિંહ પઢીયારે ૧૫-૨-૨૦૧૮ નાં રોજ પાદરા તાલુકા પંચાયતમાં સરપંચ પદે થી દુર કરવા માટે અરજી કરી હતી. જે અરજીનાં અનુસંધાનમાં તબક્કાવાર સુનાવણી હાથ ધરાઇ હતી. તમામ પક્ષકારોની રજુઆતોને અંતે પાદરા તાલુકા પંચાયતનાં તાલુકા વિકાસ અધિકારી હિતેન્દ્ર પટેલે આજે સાદરા ગામ પંચાયતના સરપંચ તલ્લીકાબેનને ગેરલાયક ઠેરવી સરપંચ પદેથી દુર કરવાનો હુકમ કર્યો હતો. અને સરપંચનો હવાલો ડે.સરપંચ રણજીતસિંહ ચૌહાણને સોંપવા હુકમ કર્યો હતો.