અમદાવાદ, તા.ર૧
અમદાવાદ શહેરના જુહાપુરા વિસ્તારમાં આવેલ અલ ફઝલ મસ્જિદ અને મદ્રસા સામે છેલ્લા કેટલાક સમયથી પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ પડતાં આ પાણી આસપાસની સોસાયટીઓમાં તો ફરી વળ્યા છે, પરંતુ પાણીની લાઈનમાં ગંદુ પાણી ભળી જતાં મસ્જિદના હોજમાં પણ ગંદુ પાણી આવતા નમાઝીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ અંગે મ્યુનિ.માં લેખિત અને મૌખિક રીતે વારંવાર રજૂઆત કરવા છતાં તેનો નિકાલ લાવવામાં આવતો નથી. આ અંગે સૈયદ મોહમ્મદમિયાં નામના સામાજિક કાર્યકરે જણાવ્યું કે, જુહાપુરા ચાર રસ્તા આગળ આવેલી અલ ફઝલ મસ્જિદ સામે આજથી પંદરેક દિવસ પહેલા ટોરેન્ટ પાવર દ્વારા ખોદકામ કરવામાં આવ્યું હતું. આ ખોદકામ દરમિયાન પાણીની પાઈપ પંચર થઈ જતા પાણી સતત વહી રહ્યું છે. આથી સ્થાનિકોએ મ્યુનિ.માં લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી. તેમ છતાં આજદિન સુધી પાણીની પાઈપલાઈન રીપેર કરવાની તસ્દી લેવાતી નથી અને એકબીજા ખો-ખો રમી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પાઈપલાઈનમાંથી સતત પાણી વહેતા પાણીનું તળાવ ભરાઈ ગયું છે અને પાણી સવારના સમયે તો આસપાસની સોસાયટીઓમાં અને સર્વિસ રોડ પર પણ ફરી વળે છે. ઉપરાંત આ પાણી સાથે ગંદુ પાણી પણ ભળી જતાં પીવાનું પાણી પણ પ્રદૂષિથ થઈ રહ્યું છે. પરિણામે મસ્જિદના હોજમાં પણ ગંદુ પાણી ભળી જતાં નમાઝીઓ મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. આથી મ્યુનિ. તંત્ર વહેલી તકે આ પાણીની પાઈપ રીપેર કરાવી ભરાઈ રહેલા પાણી અને પ્રદૂષિત પાણીથી મુક્તિ અપાવે નહીં તો મોટાપાયે રોગચાળો ફાટી નીકળવાની શકયતા છે.