(એજન્સી) એમ્સટર્ડમ, તા. ૩૧
હોલેન્ડની ઇસ્લામવિરોધી પાર્ટી ફ્રીડમ પાર્ટી ઓફ ડચના નેતા ગીર્ટ વેલ્ડર્સે મુસ્લિમોની લાગણી દુભાવવા માટે મુહમ્મદ પયગમ્બર(સ.અ.વ.)ના અપમાનજનક કાર્ટૂન બનાવવા માટે વિવાદાસ્પદ કાર્યક્રમની જાહેરાક કરી હતી. ઇસ્લામ વિરોધી પાર્ટીના નેતાએ આ ઘૃણાસ્પદ કામ માટે ત્રણ વર્ષ પહેલા આ પ્રકારનો મુકાબલો જીતનારી અમેરિકી કાર્ટૂનિસ્ટને જજ બનાવી હતી. ગીર્ટની મેલી મુરાદવાળી ઘોષણા બાદ સમગ્ર દુનિયાના મુસ્લિમોએ જોરદાર વિરોધ કર્યો હતો અને આકરી પ્રતિક્રિયાઓ આપતા આખરે હોલેન્ડે આ પ્રતિયોગિતાને રદ કરવાની ફરજ પડી હતી. હોલેન્ડના ઇસ્લામ વિરોધી સાંસદ ગીર્ટ વેલ્ડર્સની તરફથી ગુરૂવારે રાતે એક લેખિત નિવેદનમાં કહેવાયું હતું કે, અન્ય લોકોના જીવનમાં આવનારા જોખમ અને હત્યાની ધમકીઓ બાદ તેઓ વિવાદાસ્પદ કાર્ટૂનના મુકાબલાને રદ કરવાની જાહેરાત કરે છે. ઉલ્લેખનીય છે કે, આ મુકાબલાના આયોજનની ઘોષણા બાદ મુસ્લિમોની આકરી પ્રતિક્રિયાઓને જોતા હોલેન્ડના વડાપ્રધાને આ સ્પર્ધાથી પોતાની સરકારને અલગ કરી લીધી હતી.