(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૮
શહેરના સચીન વિસ્તારમાં આવેલ એક મકાનના માલિક દ્વારા ભાડૂઆતનું ગળું અને ગુપ્તાંગ કાપી નાખવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. ભાડાની રકમને લઈને ચાલતા ઝઘડામાં હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. હાલ ભાડૂઆતને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હોવાનું જાણવા મળે છે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સચિન વિસ્તારમાં મૂળ ઓરિસ્સાનો ભલ્લુ કવિ નાયક પરિવાર સાથે ભાડાના મકાનમાં રહી કેમિકલ કંપનીમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. મકાન માલિક સાથે ભાડાની રકમને લઈને ઝઘડો ચાલતો હતો. દરમિયાન આજ રોજ મકાન માલિક ઘરમાં ઘૂસી આવ્યો હતો, અને બાથરૂમમાં રહેલા ભલ્લુનું ગળું અને ગુપ્તાંગ કાપી નાખી ફરાર થઈ ગયો હતો. જેથી ભલ્લુ અને તેની પત્ની ઘરની બહાર દોડી આવી બચાવોની બૂમાબૂમ કરી હતી. ત્યારબાદ ૧૦૮ની મદદથી ભલ્લુને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ સિવિલ હોસ્પિટલ દોડી આવી હતી. જ્યાં ભલ્લુની પત્ની રુનીએ જણાવ્યું હતું કે, ભલ્લુએ બાથરૂમમાં જઈ ગુપ્તાંગ અને ગળું કાપી આપઘાતનો પ્રયાસ કર્યો છે. પહેલાં મકાન માલિકે ગળું અને ગુપ્તાંગ કાપ્યું અને ત્યારબાદ આપઘાતના પ્રયાસના ભલ્લુની પત્નીના નિવેદનને લઈને ભલ્લુની પત્ની પણ શંકાના દાયરામાં આવી ગઈ છે. વધુ તપાસ પોલીસ કરી રહી છે. એ ભલ્લુના નિવેદનની રાહ જોઈ રહી છે. અજય ડૂબે (સિક્યુરિટી ઓફિસર) એ જણાવ્યું હતું કે, રોડ ઉપર એક વ્યક્તિ લોહીલુહાણ હાલતમાં પડેલો હતો અને તેની પત્ની રડતા રડતા મદદની પુકાર લગાવી રહી હતી. જેથી તેમણે એક માનવતાના ધોરણે તાત્કાલિક ૧૦૮ને જાણ કરી આ વ્યક્તિનો જીવ બચી જાય તેવો પ્રયાસ કર્યો છે. ૬ માસનો પુત્ર બીમાર હોવાથી ડિપોઝીટ ૨૦૦૦ આપી હતી, અને ત્યારબાદ ભાડાની રકમ ૪૦૦૦ સાથે ૨૦૦૦ વધારે આપી ડિપોઝીટની રકમ પુરી કરી દેવાનું વચન આપ્યું હતું. જે રકમને લઈ મકાન માલિકે ઘરમાં ઘૂસી બાથરૂમમાં ગયેલા ભલ્લુનું ગળું અને ગુપ્તાંગ કાપી ફરાર થઈ ગયો હતો. હાલ ભલ્લુને સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક ઓપરેશનમાં લેવાની કામગીરી હાથ ધરાઈ હોવાનું જાણવા મળે છે.