(એજન્સી) તા.૧૮
છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીના ઉપરાજ્યપાલની ઓફિસમાં ભૂખ-હડતાળ પર બેઠેલા મંત્રી સત્યેન્દ્ર જૈનની તબિયત બગડ્યા પછી રવિવારે દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની પણ તબિયત ખરાબ થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સિસોદિયાના પેશાબમાં કિટોનનું સ્તર ઝડપી વધી જતાં તેમને એલ.એન.જે.પી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્‌વીટ કરી મનીષ સિસોદિયાની તબિયત વિશે જાણકારી આપી હતી. સિસોદિયાના શરીરમાં કિટોન લેવલ ૮.૪થી ૭.૪ સુધી વધી ગયું હતું. ઉલ્લેખનીય છે કે આ પહેલા દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની તબિયત પણ ખરાબ થઈ હતી જેના લીધે તેમને પણ એલ.એન.જે.પી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. હાલમાં તેમની તબિયત સ્થિર છે. જૈન મંગળવારથી ભૂખ હડતાળ પર છે. આ કારણે શનિવારે તેમના લોહીમાં શર્કરાનું પ્રમાણ ઘટી ગયું હતું. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા, સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન અને શ્રમ મંત્રી ગોપાલ રાય છેલ્લા આઠ દિવસથી ઉપરાજ્યપાલ અનિલ બૈજલની ઓફિસમાં ભૂખ-હડતાળ પર બેઠા છે. તેઓની માગણી છે કે ઉપરાજ્યપાલ આઈ.એ.એસ. અધિકારીઓને હડતાળ પાછી ખેંચવાના નિર્દેશ આપે અને ઘેર-ઘેર રાશન પહોંચાડવાની યોજનાનો સ્વીકાર કરે.