અમદાવાદ, તા.૨૧
અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ બાદ હવે રોગચાળો વધ્યો છે. ૨૫૦૦થી પણ વધુ લોકો તાવ અને વાયરલના ભરડામાં સપડાયા છે. અનેક શહેરીજનો ડેન્ગ્યુ-મેલેરિયાના સકંજામાં કણસી રહ્યા છે. રાજ્યમાં વરસાદ બાદ રોગચાળો વધ્યો છે ખાસ કરીને અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ઝેરી મચ્છરોનો ત્રાસ વધતો જઇ રહ્યો છે. જેના કારણે તાવ, મલેરિયા, ટાઇફોઇડ, ઝાડા-ઉલ્ટી, કમળા સહિતના હજારો કેસ નોંધાઇ રહ્યા છે. મેટ્રો સીટી અમદાવાદ હાલ તો, રોગચાળાના ભરડામાં ફસાયું છે. આશરે ૨૫૦૦થી વધુ નાગરિકો તાવ-વાયરલના ભરડામાં સપડાયા છે તો અનેક શહેરીજનો ડેન્ગ્યુ-મેલેરિયાના સકંજામાં કણસી રહ્યા છે. અમદાવાદ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ગંદકી અને ગટરના પાણીથી મચ્છરોનો ત્રાસ વધતો જઇ રહ્યો છે. જેના કારણે અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને અમ્યુકો સંચાલિત હોસ્પિટલોથી લઇ પ્રાઇવેટ હોસ્પિટલોમાં પણ દર્દીઓની લાંબી લાઇનો જોવા મળી રહી છે. આટલા મોટાપાયે રોગચાળો ફાટી નીકળતા હોસ્પિટલોમાં પણ દર્દીઓ માટે જગ્યા રહી નથી. ઘણા લોકો જમીન પર અથવા હોસ્પિટલની બહાર બેસીને પોતાના નંબરની રાહ જોતા જોવા મળ્યા છે. વરસાદી પાણી બાદ ગંદકી એટલી હદ સુધી વધી ગઇ છે કે, ઠેર ઠેર મસી-મચ્છરો અને નાની જીવાતનો ત્રાસ વ્યાપક બન્યો છે અને તેના કારણે રોગચાળો ગંભીર રીતે વકરી રહ્યો છે. સરકારી હોસ્પિટલોની સાથે સ્થાનિક હોસ્પિટલોમાં પણ દર્દીઓના ઢગલા થઇ ગયા છે. ત્યારે આ પ્રકારની મુશ્કેલીઓમાં તંત્ર કેમ કોઇ પગલા નથી લેતી તેના પર સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. ચાલુ વર્ષની વાત કરીએ તો, રોગચાળાના કારણે સાદા મલેરિયાના ૬૦૦થી વધારે, ઝેરી મલેરિયાના ૭૫, ડેન્ગ્યુના ૯૦થી વધારે અને ચીકનગુનિયાના ૫થી વધુ કેસો નોંધાયા છે. ઉપરાંત ઝાડા-ઉલ્ટીના ૪૦૦થી વધારે, કમળાના ૨૧૦, ટાઈફોઇડના ૪૦૦થી પણ વધારે કેસો નોંધાયા છે. આ જ પ્રકારે વાયરલ ફિવરના કેસો પણ સેંકડોની સંખ્યામાં નોંધાઇ રહ્યા છે.
આમ, માત્ર અમદાવાદ શહેરમાં જ સરકારી અને અમ્યુકો સંચાલિત હોસ્પિટલોમાં મળી કુલ આશરે ૨૫૦૦થી વધુ કેસો મેલેરિયા, તાવ અને વાયરલ ફિવરના નોંધાવા પામતા હવે અમ્યુકો સહિત સરકારી અને વહીવટી તંત્ર દોડતું થઇ ગયું છે.
શહેર રોગચાળાના ભરડામાં સપડાયું દર્દીઓથી સરકારી-ખાનગી હોસ્પિટલો ઉભરાઈ

Recent Comments