(એજન્સી)
કસોલી (હિમાચલ પ્રદેશ) , તા. ૨
સુપ્રીમકોર્ટના આદેશ પર હિમાચલ પ્રદેશના સોલન જિલ્લાના કસોલીમાં ૧૩ ગેરકાનૂની હોટલો તોડી નાંખવા ગયેલી વહીવટી તંત્રની ટીમ પર ગેસ્ટ હાઉસના એક માલિકે ૩ રાઉન્ડ ગોળીબાર કરતા બે ગોળીઓ મહિલા અધિકારી શૈલબાલા શર્માને વાગતા ઘટના સ્થળે જ તેમનું મૃત્યુ નિપજ્યું હતું. મહિલા અધિકારીને એક ગોળી છાતીમાં અને બીજી ગોળી જડબામાં વાગી હતી. જ્યારે એક ગોળી લોનિવિના કર્મચારીને વાગી હતી. આ કર્મચારીને ગંભીર હાલતમાં પીજીઆઇ ચંદીગઢ રિફર કરવામાં આવ્યો છે. પોલીસે હત્યાનો કેસ નોંધીને આરોપીની ધરપકડ કરવા માટે ટીમો મોકલી દીધી છે. આ ઘટના પછી વિસ્તારમાં તનાવનો માહોલ છે પરંતુ કર્મચારીઓમાં ભયનો માહોલ છે. જો કે, ગેરકાનૂની દબાણ હટાવવાની કાર્યવાહી દિવસભર ચાલુ રહી હતી. હોટલના માલિક પોતે પણ ગેરકાયદે નિર્માણને તોડી રહ્યા હતા.
પોલીસ અને વહીવટીતંત્રની ચાર અને એક નોડલ અધિકારીઓની ટીમો એસડીએમની ઉપસ્થિતિમાં કાર્યવાહી કરવા માટે પહોંચી હતી. ટીસીપીના જે અધિકારીને ગોળી વાગી છે તેઓ એક ટીમના સમન્વયક હતા. ભારે સંખ્યામાં પોલીસવાળા ઉપસ્થિત હોવા છતાં આરોપી ગોળીબારની ઘટના બાદ ઘટના સ્થળેથી નાસી છૂટવામાં સફળ રહ્યો છે.
પોલીસે જણાવ્યું કે ૩૮ સભ્યોની ચાર ટીમ ૧૩ ગેરકાનૂની હોટલ તોડી નાખવા ધર્મપુરથી કસોલી જવા સવારે ૯ વાગે રવાના થઇ હતી. સહાયક નગર નિયોજન અધિકારી શૈલબાલાના નેતૃત્વમાં ટીમ બપોરે ૨-૩૦ વાગે મંઢોધારમાં નારાયણી ગેસ્ટ હાઉસ પહોંચી તો તેના સંચાલક વિજય ઠાકુરે હંગામા કરવાનું શરૂ કરી દીધું હતું. મહિલા અધિકારી સાથે જીભાજોડી થયા બાદ વિજયે પોતાની લાઇસન્સવાળી રિવોલ્વર કાઢીને ૩ રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. મહિલા અધિકારીને ઠાર મારનાર આરોપી વિજય ઠાકુર વીજળી બોર્ડમાં કાર્યરત છે.
કસોલી ગોળીબાર : જો તમે લોકોના જીવ લેશો તો અમે આદેશ જારી કરવાનું બંધ કરી દઇએ : સુપ્રીમ કોર્ટ
(એજન્સી) કસોલી, તા. ૨
હિમાચલ પ્રદેશના કસોલીમાં આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર શેલબાલા શર્માની ઠાર મારવાના કેસની સુપ્રીમ કોર્ટે નોંધ લીધી છે. મહિલા અધિકારી સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર હોટલ માલિકની સંપત્તિમાં ગેરકાયદે નિર્માણની સીલ કરવા ગયા હતાં પરંતુ હોટલ માલિકે મહિલા અધિકારી પર ગોળીબાર કરતાં તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. ન્યાયમૂર્તિ મદન બી. લોકુર અને ન્યાયમૂર્તિ દીપક ગુપ્તાની બેંચે આ ઘટનાને અત્યંત ગંભીર ગણાવી છે અને જણાવ્યું કે સરકારી અધિકારી કોર્ટના નિર્દેશનું પાલન કરવા માટે ગેરકાયદે નિર્માણને સીલ કરવા માટે ત્યાં ગયા હતા. મામલા પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે મહિલા અધિકારીને યોગ્ય સુરક્ષા ઉપલબ્ધ નહીં કરાવવા બદલ રાજ્ય સરકારની આકરી ટીકા કરી છે. કોર્ટે આ મામલાને અત્યંત ગંભીર ગણાવતા જણાવ્યું કે જો તમે લોકોના જીવ લેશો તો અમે કદાચ કોઇ પણ આદેશ જારી કરવાનું બંધ કરી દઇએ. બેંચે ઘટનાની નોંધ લઇને જણાવ્યું કે આ મામલો ચીફ જસ્ટિસ દીપક મિશ્રા સમક્ષ લાવવામાં આવે જેથી, તેઓ આ મામલો યોગ્ય બેંચ પાસે મોકલી શકે. સુપ્રીમ કોેર્ટે એવું પણ પૂછ્યું કે સીલિંગ અભિયાન દરમ્યાન સરકારી અધિકારીઓ સાથે ગયેલું પોલીસ દળ હોટલના માલિકે મહિલા અધિકારીને ગોળી મારી તે સમયે શું કરી રહ્યું હતું.

આરોપી પર એક લાખનું ઇનામ
હિમાચલ પ્રદેશ સરકાર તરફથી ઉપસ્થિત વકીલે સુપ્રીમ કોર્ટની બેંચને જણાવ્યું કે સરકારી અધિકારી શેલબાલા શર્માને ગોળીમારીને આરોપી ઘટના સ્થળેથી નાસી ગયો છે. હિમાચલ પ્રદેશના સોલન જિલ્લાની પોલીસે આરોપી વિશે માહિતી આપનારને એક લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. હાલમાં આરોપી વિશે પોલીસને કોઇ માહિતી મળી નથી. જો કે, ડીજીપી હેડક્વાર્ટર તરફથી આરોપીનો ફોટો જારી કરવામાં આવ્યો છે. બધા જિલ્લાની પોલીસને આ બાબતે એલર્ટ કરી દેવામાં આવી છે. આરોપીની ધરપકડ કરવા માટે પોલીસે ચાર ટીમ બનાવી છે અને આરોપીને શોધવામાં આવી રહ્યો છે.

શૈલબાલા પર કેવી રીતે ગોળીબાર થયો સુપ્રીમ કોર્ટે હિમાચલ સરકારને પૂછ્યું
(એજન્સી) કસોલી, તા. ૨
હિમાચલ પ્રદેશના કસોલીમાં સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરાવવા માટે પહોંચેલી વહીવટીતંત્રના અધિકારીઓની ટીમ પર ગોળીબાર કરાતાંં મહિલા અધિકારી શૈલબાલા શર્માનું મૃત્યુ નિપજ્યું છે. આ મામલાની નોંધ લઇને સુપ્રીમ કોર્ટે મહિલા અધિકારીને સુરક્ષા પૂરી નહીં પાડવાને કારણે રાજ્ય સરકારનો ભારે ઉધડો લીધો છે. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને પૂછ્યું કે આખરે કેવી રીતે પોલીસની ઉપસ્થિતિમાં મહિલા અધિકારી પર ગોળીબાર થયો અને તેમનું મોત થયું ? સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે આ એક ગંભીર મામલો છે કે ધોળા દિવસે આરોપી દ્વારા મહિલા અધિકારીને ઠાર મારવાની ઘટના સર્જાઇ છે અને પોલીસ આરોપીની ધરપકડ પણ કરી શકી નથી. કોર્ટે ગેરકાયદે કબજો હટાવવામાં કડક વલણ અપનાવવાના સંકેત પણ આપ્યા છે. જો કે, રાજ્ય સરકારે આ મામલામાં પોતાનો રિપોર્ટ ગુરૂવારે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવાનો છે પરંતુ તે પહેલાં જ એક અસામાન્ય ઘટનાક્રમમાં બુધવારે સુપ્રીમ કોર્ટે કસોલીમાં મહિલા અધિકારીને ઠાર મારવાની નોંધ લઇને રાજ્ય સરકાર પાસે જવાબ માંગ્યો છે.