અમદાવાદ, તા.૨૧
એસ.જી.હાઇવે પર આવેલી એક હોટલના બેન્કવેટના સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતાં એક યુવક પર ગઇ મોડી રાત્રે કોઇ અજાણ્યા શખ્સે ગળા પર છરી ફેરવી હત્યાનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઇ હતી. હુમલાનો ભોગ બનનાર યુવકની બાજુમાં સૂઇ રહેલો અન્ય યુવક જાગી જતાં હુમલાખોર શખ્સ ત્યાંથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. ઇજાગ્રસ્ત સુપરવાઇઝરને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયો હતો. બીજીબાજુ, વસ્ત્રાપુર પોલીસે સમગ્ર મામલામાં હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના માંડા ગામના વતની અને હાલમાં વસ્ત્રાપુર ગામમાં આવેલા ભરવાડવાસમાં લાખાભાઇ ભરવાડના મકાનમાં મુકેશ કાંતિભાઇ લબાના (ઉ.વ.૩૨) તેના કાકાના દિકરા લક્ષ્મણ અને ગામના જ અન્ય યુવક રાજેન્દ્ર લબાના સાથે ત્રણેક વર્ષથી રહે છે. મુકેશ લબાના એસ.જી. હાઇવે પર આવેલી ગ્રાન્ડ ભગવતીમાં બેન્કવેટ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે. ગઇકાલે મુકેશ હોટલથી નોકરી કરી ઘેર પરત ફર્યો હતો ત્યારે તેનો ભાઇ લક્ષ્મણ લબાના થલતેજ ગયો હતો અને તેમના ગામનો યુવક રાજેન્દ્ર ઘેર જ હોઇ બંનેએ મોડી રાત સુધી વાતચીત કરી હતી. દરમ્યાન ગરમી વધુ હોવાથી તેઓ દરવાજો ખુલ્લો રાખીને જ સૂઇ ગયા હતા. દરમ્યાન મોડીરાત્રે ત્રણેક વાગ્યાની આસપાસ કોઇ અજાણ્યા શખ્સે ઘરમાં પ્રવેશ કરી મુકેશ લબાનાના ગળાના ભાગે ધારદાર હથિયાર વડે ઘસરકો માર્યાનું જણાતાં મુકેશ અચાનક ગભરાઇને જાગી ગયો હતો, એ વખતે બાજુમાં સૂઇ રહેલો મિત્ર પણ જાગી ગયો હતો. આ જોઇ હુમલાખોર શખ્સ ડરનો માર્યો તરત જ અંધારાનો લાભ લઇ ત્યાંથી રફુચક્કર થઇ ગયો હતો. બીજીબાજુ, મુકેશને ગળામાંથી લોહી નીકળતુ હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં તેના ગળાનો ઘા એટલો ખતરનાક હતો કે, તેને ટાંકા લેવા પડયા હતા. મુકેશની ફરિયાદના આધારે વસ્ત્રાપુર પોલીસે સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા મુજબ, ૨૫થી ૩૦ વર્ષના આશરાના અને મોઢે રૂમાલ બાંધેલો તથા બંને હાથમાં મોજા પહેરીને આવેલા યુવકે મુકેશની હત્યા કરવાના ઇરાદે આ હુમલો કર્યો હોવાનું જણાય છે પરંતુ તેની પાછળનું કારણ કયું તેની શકયતાઓ પોલીસ હાલ ચકાસી રહી છે.
હોટલના સુપરવાઈઝર ઉપર છરી વડે જીવલેણ હુમલો

Recent Comments