– નિખિલ એન. બાબુ

( દિલ્હીમાં સ્વતંત્ર પત્રકાર  અને પત્રકારોની સંસ્થા સાથે સંકળાયેલા છે)

 

ર૦૧૪-૧પની

સામાન્ય ચૂંટણીઓ ચાલી રહી હતી ત્યારે ભારતીય જનતા પાર્ટીના વડા પ્રધાનપદના ઉમેદવારના નરેન્દ્ર મોદીએ દલિતોની અને પછાત વર્ગના લોકોની એક રેલીને કેરળમાં સંબોધતા જણાવ્યું હતું કે, તેઓ પોતે પણ અસ્પૃશ્યતાના શિકાર બની ચૂક્યા છે. હવે પછીના ૧૦ વર્ષ તમારા હશે અને એકત્ર લોકોએ તાળીઓથી તેમને વધાવી લીધા હતા.

નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ એટલે કે એનડીએ સરકારે પોતાનું વચન વર્ષ ર૦૧૪-૧પના બજેટમાં પાળ્યું અને ફાળવણીમાં રપ ટકાનો વધારો કર્યો. આ ફાળવણી દલિતો માટે, આદિવાસીઓ માટે અને અનુસૂચિત જનજાતિ માટે તેમજ આદિજાતિ યોજના હેઠળ કરવામાં આવી. જોકે વર્ષ ર૦૧૪-૧પમાં જે ભંડોળની ફાળવણી કરવામાં આવેલી, તેમાંથી ત્રીજા ભાગનું ભંડોળ એટલે કે રૂ. ૩ર,૯૭૯ કરોડ ખર્ચ્યા વિના પડી રહ્યું. એવું કહી શકાય કે અઢીસો ટકાનો વધારો ખર્ચ્યા વિના આગલા વર્ષનો બાકી પડી રહ્યો હતો. વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના શાસનકાળમાં પહેલા વર્ષે વધુમાં વધુ રકમનો ખર્ચ કરવામાં આવ્યો, જે પાછલા ત્રણ વર્ષ કરતાં ખૂબ જ વધુ હતો.

૧પ વર્ષ બાદ સમગ્ર અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે :

બીજા ભાગમાં એવું જાણવા મળ્યું છે કે, વિવિધ સરકારોએ ૧૯૯૭થી ર૦૦ર સુધી આવી અનેક યોજનાઓ પાછળ જે ખર્ચ કર્યો છે, તે અપૂરતો રહ્યો છે. દૃષ્ટાંત સ્વરૂપે બિહાર રાજ્યને દલિતોના કલ્યાણ માટે કરોડો રૂપિયા આપવામાં આવ્યા હતા, પણ ૧પ વર્ષ બાદ પણ જાણવા મળ્યું કે, દલિતો પાછળ ખાસ કોઈ રકમ ખર્ચ કરવામાં આવી નથી અને ૧પ વર્ષ બાદ એવું જણાયું કે, આ સમગ્ર પ્રકરણની પૂરી તપાસ કરી અને એક અહેવાલ તૈયાર કરવો જોઈએ.

૩પ વર્ષ પહેલાં ભંડોળની શરૂઆત કરવામાં આવી હતી. ખાસ કરીને અસ્પૃશ્ય લોકો માટે. તપાસ અર્થે જે ટીમ હતી તેણે પ્રથમ પ્રયાસમાં જ શોધી કાઢ્યું કે ર.૮ લાખ કરોડ અનુસૂચિત જાતિ અને આદિજાતિ પાછળ ખર્ચ્યા નથી, પરિણામે તેમને લાભ થયા નથી અને તેઓ કલ્યાણકારી યોજનાઓથી વંચિત છે.

સરકારને ફાળવેલા ફંડ મળે છે અને તે પણ ખરેખર જે લોકો પાછળ ખર્ચવાના હોય, તેની સ્પષ્ટતા પણ થયેલી હોય છે. દિવસે દિવસે મોંઘવારી વધતી જાય છે, પરિણામે સમાજના ગરીબ વર્ગને નાણાની જરૂર પડે છે.

એસસીએસપી-ટીએસપી લેજિસ્લેશનની રાષ્ટ્રીય સંસ્થાના કન્વીનર પી. દિવાકરે સમગ્ર યોજનાઓ પર નજર કરી અને વિગતો એકઠી કરી. બે કારણ જણાયા, ખર્ચ ન કરવા માટેના : પહેલું તો એ કે આવા કોઈ આયોજન માટે કાયદાકીય કોઈ જોગવાઈ નથી, બીજું એ કે, રાજ્ય સરકારોએ કાયદો ન હોવાને કારણે આ યોજનાની રકમ અન્યત્ર ખર્ચી છે. પરિણામે દલિતો અને આદિજાતિના લોકો જ્યાં હતા, ત્યાં જ છે. સ્થાનિક સ્તરે પણ તેમની સમસ્યાઓ યથાવત્‌ છે.

તેલંગણાની એક વાત કરીએ કે પૈસા ક્યાં ગયા ?

તપાસમાં એવું જણાયું કે, અમારે તેલંગણાની એક સ્કૂલમાં જવું જોઈએ, જેનું નિર્માણ આદિજાતિ માટેના ભંડોળમાંથી થયું છે અને અમને જણાયું કે ત્યાં કેટલી હદે ભ્રષ્ટાચાર થયો છે કે આ ખર્ચના નાણા ગરીબો, વંચિતો વગેરે માટે હતા. નાલગોડા જિલ્લામાં ગુદુર ગામની સ્કૂલમાં જે સરકારી સ્કૂલ છે, ત્યાં પણ બાંધકામ ત્રણ વર્ષ પહેલાં જ થયું છે, પણ તેમાં તિરાડો પડી ગઈ છે, કેટલોક ભાગ જર્જરિત થઈ ગયો છે. સ્કૂલના આચાર્યે એક જ વાત કરી છે, “કમિશન… કમિશન… એટલે કટકી કટકી…”

સરકારી રહેવાસી સ્કૂલની દિવાલો છેલ્લા ત્રણ વર્ષમાં જ તૂટવાની ચાલુ થઈ. આ શાળાની પાછળ ૪૭ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો અને તે પણ બાંધકામમાં સુધારો કરવા માટે !! વર્ષ ર૦૧૪-૧પના ભંડોળમાં અઢીસો ટકાનો વધારો થયો, પણ ભ્રષ્ટાચારને કારણે બધું જ ધોવાઈ ગયું.

મકાનનું બાંધકામ રૂ. ૪૭ લાખમાં થયું હતું, પણ તેની ગુણવત્તા આજે પણ એવું જણાવતી નથી કે, આટલી હદે ખર્ચ થયો હોય. સ્કૂલ બેગથી મધ્યાહન ભોજન સુધીની યોજનાઓ સીમાંત વર્ગ માટે છે, જેમાં પુષ્કળ ભ્રષ્ટાચાર થયો છે. પરિણામે આદિજાતિ, દલિત વગેરેને કોઈ લાભ મળ્યો નથી. આયોજનપંચે આ અંગે અભ્યાસ પણ કરાવ્યો છે.

હવે કાયદાની જરૂર છે :

ત્રણ દાયકાઓ બાદ કોઈ કેન્દ્રીય કાયદો બાકી રહેલી માગણીઓ માટેના ખર્ચનો નથી. અમલદારો કહે છે કે, આ અંગે કાયદાકીય માર્ગદર્શન નથી અને તેમનું કહેવું છે કે દલિતો અને આદિજાતિને તેમનો હિસ્સો મળતો નથી. દલિત માનવ અધિકારની રાષ્ટ્રીય ઝૂંબેશના રાષ્ટ્રીય કો-ઓર્ડિનેટર બીના જે. પારલીકરે જણાવ્યું હતું કે, જેમને લાભ મળવો જોઈએ, તેમને લાભ મળ્યો જ નથી. આયોજન પંચ એટલે કે હવે નીતિ પંચને આ અંગેની સમગ્ર માહિતી મળી છે. પી. દિવાકર એવું માને છે કે, કાયદો બનવો જરૂરી છે અને તે પણ એટલી હદે કે ભંડોળનો ઉપયોગ કેવી રીતે થયો છે, તેની જવાબદારી અંગે પ્રશ્નો પૂછી શકાય, પણ આ અંગે કોઈ ખરડો લાવવાનો પ્રયાસ અત્યાર સુધી થયો નથી. ત્રણ વર્ષ પહેલાં નિવૃત્ત આઈએએસ અધિકારી અને ભારત સરકારના પૂર્વ સચિવ પી. એસ. ક્રિષ્ણનના નેતૃત્વમાં નિષ્ણાતોની ટીમે આવો પ્રયાસ કર્યો હતો, પણ આજે તે બિલ કોલ્ડ સ્ટોરેજમાં છે.

કોઈ આંકડાકીય માહિતી નથી કે રકમ ક્યાં ખર્ચાય છે :

બિહાર રાજ્યમાં તપાસ કરતાં જણાયું કે ૧૯૯૮-૯૯ અને ર૦૦૧-૦રમાં એક પણ રૂપિયો ખર્ચાયો નથી. જ્યારે કે, રૂ. ૬ર૮ કરોડ અને રૂ. ર૩૯૩ કરોડ અનુક્રમે ફાળવવામાં આવ્યા હતા. બિહારના કલ્યાણ વિભાગને એક પ્રશ્નોત્તરી પણ મોકલવામાં આવી હતી, પણ તેમણે કોઈ જવાબ આપ્યા નથી. આ ફક્ત બિહારનો જ કિસ્સો નથી. મોટા ભાગના રાજ્યોમાં આવી વૃત્તિ પ્રવર્તે છે. કારણ કે, કોઈ પણ રાજ્ય ક્યારેય કેન્દ્રએ ફાળવેલા ફંડનું શું કર્યું ? તે અંગેનો અહેવાલ આપ્યો નથી. કેરળને ૧૯૭૬થી ર૦૧પ સુધી ફાળવેલી રકમનો ખર્ચ કરવામાં આવ્યો છે, પણ ર૦૦૯-૧૦માં આસામને જે રકમ આપવામાં આવી હતી, તેનો ખર્ચ થયો નથી. આમ, આવક અને ખર્ચનો કોઈ હિસાબ રાજ્ય સરકારો આપતી નથી.

ભંડોળની રકમ આપવામાં વિલંબ :

બજેટમાં ભંડોળ ફાળવવામાં આવે છે, નાણાકીય વર્ષના અંતે વિતરીત કરવામાં આવે છે, દરેક રાજ્યએ તે ખર્ચ કરવાનો હોય છે. ર૦૧૪-૧પમાં કર્ણાટક સરકારે બજેટમાં ફાળવણી કરી. પણ એવું જણાયું કે, આ રકમ છ મહિના બાદ આપવામાં આવી, પરિણામે ખર્ચ એક જ મહિનાની રકમનો થયો.

રાજ્યો દ્વારા બેદરકારી દાખવવામાં આવે છે :

આયોજન પંચે આવી યોજનાઓનું રાજ્યોમાં નિરીક્ષણ કર્યું અને જણાયું કે, રાજ્ય સરકારો ખાસ કોઈ પૂર્વ મંજૂરી આવા ખર્ચ માટે લેતી નથી. તેમને કેન્દ્ર તરફથી પત્રો વગેરે પાઠવવામાં આવે છે, તેનો જવાબ મળતો નથી. આ નીતિ આયોગ છે તે કડક બની શકે છે, પણ તેની પાસે એવી કોઈ સત્તા નથી. બે વર્ષ પહેલાં એક અભ્યાસમાં જણાયું કે, વિવિધ સરકારો આવી અને ગઈ, પણ પાંચ કરોડ દલિતો અને આદિવાસીઓ પાછળ એક રૂપિયો પણ ખર્ચાયો નથી. પરિણામે નાણાકીય ભંડોળમાં ઘટાડો થયો છે. ર૦૧૪-૧પમાં તેલંગણાને રૂ. ૪૪૦૪.પ૯ કરોડ ફાળવવામાં આવેલા. જેમાં પપ.૭ ટકાનો ઘટાડો કરીને રૂ. ૧૯પ૦.ર૯ કરોડ કરવામાં આવ્યા.

યોજનાના નાણાં અન્યત્ર ખર્ચાય છે :

યુપીએના શાસનકાળમાં સરકારે આવી રકમ કોમનવેલ્થ ગેમ્સ વગેરેની પાછળ ખર્ચી નાખી હતી. દિલ્હીની સરકારે મીઠાઈઓ ખરીદવા માટે આ રકમનો ઉપયોગ કર્યો હતો. ખરેખર જોવા જઈએ તો, તેલંગણા, આંધ્રપ્રદેશ અને કર્ણાટકે કાયદાઓ પસાર કર્યા છે, પણ તેમની પાસે પૂરતું ભંડોળ નથી. ર૦૧૪-૧પના વર્ષમાં તેલંગણા ૬૧.ર૬ ટકા રકમ પણ ખર્ચી શક્યું નથી. એટલે કે દલિત અને આદિવાસી માટે રૂ. રૂ. ૭૪૭પ.૧ કરોડ ખર્ચી શકાયા નથી.

કર્ણાટક અને આંધ્રમાં પણ આવી જ પરિસ્થિતિ છે. ખરડાઓ પસાર થાય છે, પણ રકમ ખર્ચાતી નથી. હૈદરાબાદ ખાતેની સેન્ટર ફોર દલિત સ્ટડીઝના ડાયરેક્ટર અંજના યુલુએ જણાવ્યું હતું કે, મુખ્ય કારણ એક જ છે કે, કાયદાઓ છે, પણ શિક્ષાત્મક પગલાં શું લેવાં તેવી કોઈ જોગવાઈ નથી. પરિણામે કોઈને ભય નથી.

ફરી વ્યૂહરચના ઘડવાની જરૂર છે :

નિષ્ણાતો માને છે કે રોકડા રૂપિયા ખર્ચવાનો કોઈ ખાસ પ્રશ્ન નથી. આપણે ગ્રાઉન્ડ લેવલ ઉપર વ્યૂહ એવા ઘડવા જોઈએ કે ફાળવેલી રકમનો કેવી રીતે અને કેટલો ખર્ચ કરીએ તો આદિજાતિ અને દલિતોનો વિકાસ થાય. વિવિધ યોજનાઓ વિવિધ હેતુઓ માટેની હોવી જરૂરી છે. ફક્ત મોબાઈલ હેલ્થકેર સુવિધા વગેરે કાર્યોથી અર્થ સરતો નથી. પ્રશ્ન ખૂબ જ ગંભીર છે અને લોકો આજની તારીખમાં પણ અસ્પૃશ્યતામાં માને છે, તેમના પર અત્યાચારો થાય છે, પેઢીની પેઢી અત્યાર સુધીમાં જીવી ગઈ છે, પણ રાજકીય પક્ષોએ તેમનો દુરપયોગ કર્યો છે, તેમને ફાળવેલી રકમ પોતાની રીતે, પોતાની પરિસ્થિતિમાં ખર્ચી નાખી છે.

(સૌ.ઃ ધ હિન્દુ)