અમદાવાદ,તા.૬
હાર્દિક પટેલે ફરી એકવાર વિવાદિત ટ્‌વીટ કરીને જણાવ્યું છે કે હાર્દિક ભડકાઉ ભાષણ આપે છે તો ભાજપના નેતાઓ શું અમૃત વરસાવે છે. ત્યારે હાર્દિકની ટ્‌વીટને લઈને તેના ટ્‌વીટર એકાઉન્ટ ઉપર લોકોની પ્રતિક્રિયાઓ આપવાની શરૂઆત થઈ છે જેમાં લોકોએ હાર્દિક પટેલને ઘણા બધા સવાલ પણ પૂછી નાંખ્યા છે.
પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ ઉપર ભડકાઉ ભાષણનો આરોપ લાગતો રહે છે. ત્યારે હાર્દિકે અનામતની માંગ સાથે કરેલા વિરોધ પ્રદર્શન વેળા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતની ભાજપ સરકાર વિરુધ્ધ નિવેદનો આપ્યા હતા. તદઉપરાંત ગુજરાત વિધાનસભાની ચૂંટણી વેળા પણ હાર્દિક પટેલે ઘણા વિવાદિત ભાષણો કર્યા હતા. ત્યારે હાર્દિક ઉપર ભડકાઉ ભાષણ કરવાનો આરોપ લોકોએ લગાવ્યો હતો. ત્યારે હાર્દિક પટેલે ટવીટર ઉપર ટવીટ કરીને ભાજપના નેતાઓને આડેહાથ લેતા જણાવ્યું છે કે ‘જો હું ભડકાઉ ભાષણ આપું છું તો સાધ્વીજી, સાક્ષીજી, ગિરીરાજજી, સંગીત સોમજી, જેવા લોકો શું અમૃત વરસાવે છે ?’
હાર્દિકની ટવીટને લીધે અનેક લોકોએ તેને પ્રતિક્રિયાઓ આપી છે. જીવાદીપ નામના ટવીટર યુઝરે હાર્દિકની ટવીટના જવાબમાં લખ્યું છે કે ‘ એ લોકો ભારતને જોડવાની વાત કરે છે અને તમે લોકો દેશને તોડવાની વાત કરો છો’ તો અમિતસિંહ રાઠોર નામના ટવીટર યુઝરે ટવીટ કર્યું છે કે ‘તારા જેવા વિચારો ધરાવતા લોકો માટે અમૃત જ છે.’ તો અતુલ મિશ્રા નામના ટવીટર યુઝરે લખ્યું છે કે ‘ તું ઉગ્રવાદી છે તે કેવી રીતે ભૂલી શકાય. તારી સરખામણી સાધ્વીજી, સાક્ષીજી, ગિરીરાજજી, સંગીત સોમજી જેવા લોકો સાથે કયારેય ન થઈ શકે.’
આમ હાર્દિકના વિવાદિત ટવીટ બાદ તેના ટવીટર એકાઉન્ટ ઉપર તેની ટવીટ ઉપર લોકોએ પોસ્ટોનો મારો ચલાવ્યો હતો.